સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં એક યુવકે 6 વર્ષીય બાળકીને લલચાવી ફોસલાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે શાળામાં બાળકીને ગુડ ટચ બેડની જાણકારી પોલીસ દ્વારા અપાઈ હોય બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો. જેના કારણે યુવક બાળકીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. આ પરિવારની 6 વર્ષીય બાળકી ઘરના દાદર પાસે રમી રહી હતી. આ દરમિયાન એક યુવાન દ્વારા બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે આવવાનું કહી ખોળામાં ઉઠાવી લીધી હતી. દરમિયાન બાળકીને શાળામાં પોલસની ‘શી ટીમ’ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ની માહિતી આપવામાં આવી હોવાથી બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો. જે પછી યુવક બાળકીને ત્યાં જ મુકીને જતો રહ્યો હતો.
બાદમાં બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે આવી પિતાને સમગ્ર વાત કહી હતી. જેથી તેના પિતા દ્વારા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ જવા પામી હતી. બીજી તરફ આ બનાવ અંગે પડોશીઓની સમજાવટ બાદ પિતા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં રહેતા એક બાળકીના પિતાએ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી કે, અજાણ્યા ઇસમ દ્વારા તેમની સાડા 6 વર્ષની બાળકીને ખોળામાં ઉપાડી પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી શાળાએ જતી હોવાથી પોલીસની શી ટીમ દ્વારા શાળામાંથી આપેલી ડ ટચ બેડ ટચ અંગેની જાણકારી હતી. આ તાલીમ બાળકીએ લીધી હતી અને તેણીએ પ્રતિકાર કરી જોર જોરથી બુમો પાડતા યુવક બાળકીને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં 23 વર્ષીય રાજન જીતેન ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…