Surat : શહેરના સગરામપુરા ખાતે અશાંતધારાનું (Ashant Dhara)ધરાર ઉલ્લંઘન કરીને વિધર્મી દ્વારા હોસ્પિટલ ધમધમતી કરવામાં આવતાં સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેકટરને (Collector)રજુઆત કરવામાં આવી હતી. છેલ્લા દોઢ – બે વર્ષથી ચાલતી આ હોસ્પિટલને કારણે આસપાસના રહેવાસીઓને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે આ સંદર્ભે છાશવારે રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન આવી રહી હોવાનો પણ રહેવાસીઓ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
શહેરના સગરામપુરા ખાતે મોટી લાલવાડી વિસ્તાર અશાંતધારામાં આવતો હોવા છતાં મિલ્કતદાર દ્વારા સમોલ નામક હોસ્પિટલ માટે વિધર્મી વ્યક્તિને ભાડે આપતાં ભારે વિવાદ થવા પામ્યો છે. છેલ્લા દોઢ – બે વર્ષથી આ રહેણાંક વિસ્તારમાં અશાંતધારાની પરવાનગી લીધા વિના હોસ્પિટલ ધમધમતી હોવાના આક્ષેપ સાથે 100થી વધુ સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેકટર સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
આ સંદર્ભે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અશાંતધારાની કોઈપણ પ્રકારની પરવાનગી વગર ચાલતી આ હોસ્પિટલના વિરૂદ્ધ છાશવારે રજુઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ સ્થાનિક વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવતાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે.
તપાસ બાદ પગલાં લેવામાં આવશેઃ કોર્પોરેટર દિપેન દેસાઈ
આ સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર દિપેન દેસાઈએ જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા અશાંતધારા સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, રહેણાંક વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરવાના મુદ્દે તપાસ કરાવવામાં આવશે અને અશાંતધારાની પરવાનગી નહીં લીધી હોય તો યોગ્ય પગલાં ભરવા માટે પણ તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા અગાઉ આ હોસ્પિટલને કારણે પાર્કિંગ અને મેડિકલ વેસ્ટ સહિતની ફરિયાદો પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Ahmedabad: એકટીવા સાથે ગાડી અથડાતા પહેલા કર્યો ઝઘડો, બાદમાં કારમાંથી 26 લાખ રોકડ રકમની બેગ લઈને થયા રફુચક્કર