સુરત (Surat)શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની(Online Fraud)ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફિલ્મના રેટિંગ(Film Rating)ના નામે છેતરપિંડી આચરતી ટોળકીને ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે. સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સુરત શહેરમાં ટેલીગ્રામ ઉપર અલગ-અલગ ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લીંક મોકલી તેમાં અલગ અલગ ટાસ્ક પેટે કુલ રૂપિયા 14,38,691 અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડયા હતા.આ આરોપીઓના એકાઉન્ટમાં પોલીસે 5,93, 011 ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી છે.
આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ ગઇ 31 જાન્યુઆરી 2023 થી 04 એપ્રિલ 2023 દરમ્યાન દરેક વખતે અલગ ટેલીગ્રામ એકાઉન્ટ ના ધારક તથા અલગ-અલગ બેંક એકાઉન્ટોના ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેક લીંક ફરીયાદીના ટેલીગ્રામ એકાઉન્ટમાં મોકલી ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાથી સારૂ એવુ કમિશન મળશે તેમ જણાવી ફિલ્મ રેટીંગના અલગ અલગ ટાસ્ક માટે કુલ રૂપિયા 14 ,52,391 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ ઉપરાંત ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાના કમિશન પેટે કુલ રૂપિયા 13,700 પરત આપેલા તેમજ ફિલ્મ રેટીંગના ટાસ્ક માટે ભરેલ રૂપીયા પૈકી રૂપિયા 14,38,691 પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ ગુન્હામાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂપિયા 5,93,011 ફ્રીઝ કરાવવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે.
પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) અમિત જીવાણી (૨) નિખીલ પાનસેરીયા (૩) ભાવેશ કાકડીયા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય આરોપીઓએ છેતરપિંડી કેવી રીતે કરી તેની તપાસ શરૂ કરી છે અને આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તેની તપાસ પણ શરૂ કરી છે.
સુરત શહેરમાં સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ સુરત શહેરના લોકો ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છે. તેમ ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન છેતરપિંડીમાં યેન કેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે. સતત વધતી છેતરપિંડીની ઘટનાથી સાયબર ક્રાઇમ પોલીસ પણ હવે એક્ટિવ બની છે અને છેતરપિંડી કરનારાઓને શોધી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:16 am, Wed, 24 May 23