સુરતમાં(Surat ) કોરોના ના કપરા સમયમાં આ મહામારી સામેની લડતમાં સફળ નેતૃત્વ કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની ને કેન્દ્ર સરકારે પ્રમોશન આપ્યું છે. થોડા સમય પહેલા જ એક વાત વહેતી થઇ હતી કે સુરતના મનપા કમિશનર બંછાનીધી પાની એ કોરોના(Corona ) સામેની લડાઈમાં શ્રેષ્ઠ કામગીરી કરવા ઉપરાંત કોરોનાના કપરા સમય વચ્ચે પણ સુરતના વિકાસની ગતિને ધીમી પડવા નથી દીધી.
જેથી આ બાબતની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકરે ગુજરાતના માત્ર છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી પદ માટે લાયકાત હોવાથી પસંદગી કરી છે. તેમાં બંછાનીધી પાનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના(Gujarat cader ) બંછાનીધી પાની ઉપરાંત શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજિતકુમાર, કે.કે.નીરાલાની પણ પસંદગી કરવામાં આવી છે. જે પૈકી પી.ભારથી પણ સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટેશન પર ડેપ્યુટી કિમશનર તરીકે રહી ચુક્યા છે.
હવે આ અધિકારીઓ કેન્દ્રની સેવામાં જવા ઈચ્છે ત્યારે ડેપ્યુટેશનની માંગણી કરી શકે છે. નોંધનીય છે કે આ અગાઉ સુરત મનપા કમિશનર રહી ચૂકેલા પંકજ જોશી અને એસ.અપર્ણા પણ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં બંછાનીધી પાની સુરતના કમિશનર તરીકે જ યથાવત રહેશે.
આમ, મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતમાં રહી ચૂકેલા અધિકારીઓને સુરત શહેર ખુબ લકી સાબિત થયું છે. સુરતમાં કામ કર્યા બાદ કેન્દ્ર માં સેવા કરવાની તક આ પહેલા પણ ઘણા મ્યુનિસિપલ કમિશનરને મળી ચુકી છે અને હવે આ તક હાલના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને મળી છે.
આ પણ વાંચો :
Published On - 7:55 am, Tue, 10 August 21