તા.17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi ) જન્મ દિનની(Birthday ) ઉજવણીની દેશભરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ભાજપ હોય કે પીએમ મોદીના ચાહકો દરેક કોઈ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ કાર્યક્રમ કરી રહ્યા છે. સુરત એ ખાણીપીણી માટે જાણીતું શહેર છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે સુરતના હોટેલ એસોસિયેશને પણ તૈયારી કરી દીધી છે. પીએમ મોદીના જન્મદિને નિમિતે સુરતમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં ત્રણ દિવસ સુધી 10 ટકાથી લઈને 25 ટકા ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપવાની અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે સુરતમાં 400 જેટલી નાની મોટી રેસ્ટોરન્ટ આવેલી છે. જેમાંથી હાલના તબક્કે 100 થી 150 જેટલી રેસ્ટોરન્ટ અને હોટેલો દ્વારા એસોસિયેશનની આ અપીલને સ્વીકારવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. સઘર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના ઉપપ્રમુખે TV9 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતની તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે, તા.17 સપ્ટેમ્બરના રોજ પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોવાથી સુરતના તમામ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોએ તા.16 સપ્ટેમ્બરથી લઈને તા.18 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ દરમિયાન ગ્રાહકોને 10 ટકાથી લઈ 25 ટકા સુધી ડિસ્કાઉન્ટ સહિત બીજી અન્ય વિવિધ ઓફરો પણ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા આપવામાં આવે. અને અમારી આ અપીલને હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે ઘણી ખરી હોટેલો દ્વારા 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વરાછા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટ દ્વારા લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે. જેમાં તેમની હોટેલમાં જમવા આવતા લોકોને કુપન આપીને લકી ડ્રો કરવામાં આવશે. અને વિજેતાઓને પાંચ મોબાઈલ પણ ગિફ્ટમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તથા આ જ રેસ્ટોરન્ટ દ્વારા આખો દિવસ તેમની રેસ્ટોરન્ટની મુલાકાત લેનારાઓને મફતમાં ચા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.