સુરત (Surat )જિલ્લાના ઓલપાડ (Olpad )ખાતે આવેલ કુડસદ રેલવે સ્ટેશન પાસેથી ગત મોડી રાત્રે પસાર થઈ રહેલ માલગાડીમાં અચાનક આગ(Fire ) ફાટી નીકળી હતી. દુર્ઘટનાને પગલે માલગાડી એક કલાક સુધી અટકાવવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે પહોંચેલા રેલવે તંત્રના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યા બાદ અંદાજે દોઢ – બે કલાકના સમયગાળા બાદ રેલ વ્યવહાર પૂર્વવત્ થવા પામ્યો હતો. જોકે, ગેટમેન દ્વારા માલગાડીના વ્હીલમાં લાગેલી આગ સંદર્ભે જાણ કરવામાં આવતાં તાત્કાલિક ટ્રેન અટકાવવામાં આવી હતી અને જેને પગલે મોટી દુર્ઘટના ટળવા પામી હતી.
વેસ્ટર્ન રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે 12 કલાકના સુમારે ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશન પાસેથી માલગાડી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન ગુડ્સ ટ્રેનની બોગીના વ્હીલમાં લગાવવામાં આવેલ હોટ એક્સેલમાં આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના અંગે ગેટમેનને જાણ થતાં તેણે સૌ પ્રથમ ટ્રેનને અટકાવી હતી. ગુડ્સ ટ્રેનમાં કોલસો હોવાને કારણે નાની ચિનગારી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિને પગલે રેલવેના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી ગયા હતા. એક કલાકની જહેમત બાદ રેલવે તંત્ર દ્વારા ગુડ્સ ટ્રેનમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુડ્સ ટ્રેનના હોટ એક્સેલમાં આગ ફાટી નીકળવાને કારણે ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ, ભુજ – પુને એક્સપ્રેસ, અમદાવાદ – બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ અને અમદાવાદ – ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ તથા અમરપુર – અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેન તેના રાબેતા મુજબ સમય કરતાં દોઢ – બે કલાક મોડી પડતાં મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Input Credit – Suresh Patel (Olpad)