Surat : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રામ રાજ્ય સોસાયટીમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનને (High tension line) કારણે સ્થાનિકો પરેશાન છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈટેન્શન લાઈનના કારણે અવાર નવાર દુર્ઘટના સર્જાઈ રહી છે તેમજ થોડા દિવસો પહેલા જ એક યુવકને કરંટ લાગ્યો છે, સ્થાનિકોની માગ છે કે આ હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવે.
સ્થાનિક કામિની બેને જણાવ્યું હતું કે અહી હાઈટેંશન લાઈન પહેલા ઉપર હતી, પરંતુ હવે ઘણી નીચી આવી ગઇ છે, અહી બાળકો રમતા પણ ડરી રહ્યા છે, દંડો અડવાના કારણે એક બાળકનું મોત પણ થઇ ચુક્યું છે, ત્રણ ચાર દિવસ પહેલા એક વ્યક્તિને કરંટ પણ લાગ્યો છે, અમારી એક માગ છે કે આ હાઈટેશન લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે.
બીજી તરફ સ્થાનિક પીન્ટુભાઈ યાદવે જણાવ્યું હતું કે સોસાયટીની વચ્ચેથી હાઈટેન્શન વાયર જાય છે, જે જમીનથી માત્ર 10 થી 12 ફૂટ જ ઉપર છે. હું અહી છેલ્લા 18 વર્ષથી રહું છું, 4 થી 5 ઘટના તો અમારી સામે જ બની છે, એક બાળકનું મોત પણ થયું છે અને થોડા દિવસો પહેલા એક વ્યક્તિ દાઝી પણ ગયો છે,
અન્ય એક પાયલ કુંવરે જણાવ્યું હતું કે હું અહી છેલ્લા 20 વર્ષથી રહું છું, અહી હાઈટેનશનનો તાર માત્ર 9 થી 10 ફૂટ ઉપર જ છે, અહી બાળકો સુરક્ષિત રીતે રમી પણ શકતા નથી, સોસાયટીની અંદર ટેમ્પો પણ આવી શકે તેમ નથી, અમે ઘરની ગેલેરીમાં ઉભા રહીને નીચે કોઈ પણ વસ્તુ લોડ કરી શકતા નથી, આ સમસ્યાને લઈને અમે અનેક રજુઆતો કરી છે કે આ હાઈટેનશન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવે કા તો અહીથી હટાવી દેવામાં આવે, પરંતુ અમારી વાત કોઈ નેતા કે પ્રશાસન સાંભળવા રાજી નથી, બે દિવસ પહેલા જ એક યુવકને ગંભીર રીતે કરંટ લાગ્યો છે, અમારી માંગ છે કે હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરાવી દેવામાં આવે.