ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી 27 સીટો પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં બેઠી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને બાદમાં એક મળી કુલ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જોકે માત્ર ગણતરીના સમયમાં જ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મનીષા કુકડિયાએ આજે ફરી ઘર વાપસી કરી આપ માં જોડાયા છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ =ના દરેક કાર્યકર્તાઓ અને નેતાઓમાં નવો જોશ-જુસ્સો ઉમેરાયો છે. પંજાબમાં જીત મેળવી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.
સુરત શહેરમાંથી થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા, ઋતા દુધાગરા, ભાવના સોલંકી અને જ્યોતિકા લાઠીયાએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જોકે ત્યારબાદ આમ આદમી પાર્ટીની કોર્પોરેટર કુંદન કોઠિયાએ પણ કેસરિયો ખેંસ પહેરી લેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો હતો.
જોકે આપમાંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાએ આજે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ઘર વાપસી કરતા ભાજપને નીચા જોવાનું થયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ઘર વાપસી કરનાર મનીષા કુકડિયાએ પત્રકાર પરિષદમાં તેણીને ફરીથી પાર્ટીમાં સ્થાન આપવા બદલ ગુલાબસિંહ યાદવ, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાનો આભાર માન્યો હતો. આભાર માનતાની સાથે જ તેઓ રડી પડ્યા હતા જેના કારણે લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ તેના પતિ જગદીશ કુકડિયાએ જણાવ્યું હતું કે તેઓ કે તેમની પત્ની કે પરિવારનું કોઈ સભ્ય અત્યાર સુધીમાં રાજનીતિમાં જોડાયું નથી. ઈમાનદાર પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આપમાં જોડાયા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું થયુ કે 10 મહિના સુધી તેની પત્ની દ્વારા લોકો માટે કામ કરવા છતાં કરતા કોઈ કામો થતા ન હતા. જેથી મનીષાબેનને થયું હતું કે સત્તા પક્ષમાં હોઈએ તો લોકોના કામ કરી શકીશું. આ ઉપરાંત વિરોધ પક્ષમાં બેઠા હોવાને કારણે શાસકોની તાનાશાહી થતી હોવાથી તેઓ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. ભાજપમાં જોડાયા દોઢ મહિનામાં જ તેઓને પાર્ટી સાથે અને કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાનો અહેસાસ થતા અને મનીષાએ પતિને જણાવ્યું હતું કે ભાજપમાં જોડાયા બાદ પણ તેણીએ ધારેલા કામો થતા નથી.
તેણીએ કહ્યું હતું કે આપણે ઈમાનદાર વ્યક્તિ છે, આપણે જે ભુલ કરી છે તેનો પશ્ચાતવો થતો હતો જેથી મનીષાએ રાજકારણને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જગદીશે તેમણે હિમ્મત આપી મનોજ સોરઠિયાને મળ્યા હતા અને ભુલ માફ થઈ શકતી હોય તો પુનઃ પાર્ટીમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેઓ આજે ફરી આપ માં જોડાયા છે.
આ સાથે જ જગદીશભાઈ એ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભાજપનો હવે અમને કોઈ ડર નથી, જીવના જોખમે નિર્ણય લીધો છે અને અમારા નિર્ણયથી ઘરના પરિવારને પણ ખબર નથી. આપણે કોઈના ગુલામ નથી અને હવે ભાજપની તાનાશાહી સામે લડવાનો મક્કમ નિર્ણય કરી લીધો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આપ ના કોર્પોરેટરોને ખોટા પ્રલોભન આપવામાં આવે છે. ડરાવવા માટે ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. ચૂંટણી જીતનાર તમામ આપના કોર્પોરેટરો બિનરાજકીય છે, તેઓ પહેલી વખત ચુંટણી લડ્યા અને જીત્યા છે. મનીષા કુકડીયા આત્મમંથન બાદ પુનઃ ભાજપમાં જોડાયા છે અને તેઓનું હૃદયથી પાર્ટીમાં સ્વાગત છે. સવારનો ભુલ્યો સાંજે ઘરે આવે તો તેને ભુલ્યો ન કહેવાય. આ સાથે જ તેઓએ અન્ય કોર્પોરેટરોને પણ ભુલ સુધારવાની તક આપવાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણો રસ્તો સંઘર્ષનો છે અને ગુજરાતમાં નવી આશાનું કિરણ ‘આપ’ છે. પંજાબની જીતના ઉલ્લેખ સાથે તેઓએ કહ્યું હતું કે ગુજરાતના લોકો ભાજપથી ત્રસ્ત છે અને આપ નવો વિકલ્પ છે.
ગુલાબસિંહે જણાવ્યું હતું કે એપ્રિલના પહેલા સપ્તાહથી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જનમેદની સાથે તિરંગા યાત્રા નીકળશે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ નાની ઉંમરમાં રાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પોતાની ઓળખ ઉભી કરવામાં સક્ષમ સાબિત થયા છે.
પંજાબમાં ભવ્ય જીત બાદ ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે. જેથી ગુલાબસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપની અંદર એક ડરનો માહોલ ઉભો થવા પામ્યો છે. જેના કારણે વિધાનસભાની ચૂંટણી છ મહિના પૂર્વે કરવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે આગામી છ મહિનામાં પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા અનેક કામો કરવામાં આવશે. જેનો ડર ભાજપને સતાવી રહ્યો છે અને તેના કારણે તેઓ ચૂંટણી છ મહિના વહેલા જાહેર કરે તો નવાઈ નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતની ચુંટણી ભાજપ અને આપ વચ્ચે છે.
આ પણ વાંચો: રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન યોજાયું, પાટીલનું ગુલાબની પાંદડીના વરસાદથી સ્વાગત
આ પણ વાંચો: Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા
Published On - 4:16 pm, Mon, 14 March 22