Surat : શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આજે એક કોમ્પલેક્ષના બેઝમેન્ટ ફ્લોરમાં આવેલ ફેશન ડિઝાઈનિંગની (Classes)ક્લાસીસમાં આગ (FIRE) ફાટી નીકળી હતી. દુર્ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓનો (STUDENT)ચમત્કારિક બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ ફાયર વિભાગ દ્વારા ધરાર ગેરકાયદેસર ધમધમતાં આ ફેશન ડિઝાઈન ટ્યુશન ક્લાસને તાત્કાલિક સીલ મારીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના પોશ વિસ્તાર એવા પાર્લે પોઈન્ટ ખાતે આવેલ પાર્લે પોઈન્ટ કોમ્પલેક્ષમાં ભોંયતળિયામાં પાર્કિંગની જગ્યામાં ધરાર ગેરકાયદેસર રીતે ચાલતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનીંગ એન્ડ ટેક્નોલોજી નામના ફેશન, ઈન્ટીરિયર અને ટેક્સટાઈલના ટ્યૂશન ક્લાસમાં એસીમાં શોર્ટ સર્કિટને પગલે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં ભારે ધુમાડાના ગોટેગોટા ભોંયતળિયામાં પ્રસરી જતાં અભ્યાસ માટે પહોંચેલા પાંચેક વિદ્યાર્થીઓ ફસાઈ જવા પામ્યા હતા. જેઓને તાત્કાલિક વોચમેન સહિત સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દરમ્યાન ઘટના અંગે જાણ થતાં જ મજુરા ફાયર સ્ટેશનનો કાફલો દુર્ઘટના સ્થળે ધસી ગયો હતો. અંદાજે દોઢ – બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા એનઓસી વગર ધમધમતા આ ઈન્સ્ટિટ્યૂટને સીલ મારીને અઠવા ઝોનને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકો અને વોચમેનોના જણાવ્યા અનુસાર આજે દુર્ઘટનાને પગલે ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહેલા પાંચેક વિદ્યાર્થીઓ ધુમાડાને પગલે બેઝમેન્ટમાં ફસાઈ જવા પામ્યા હતા. જેઓ ભારે જહેમત બાદ બહાર નીકળતાં આબાદ બચાવ થવા પામ્યો હતો.
એનઓસી વિના ધમધમતું હતું ઈન્સ્ટિટ્યૂટ
પાર્લે પોઈન્ટ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યામાં શરૂ કરવામાં આવેલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી નામક ટ્યૂશન ક્લાસ પાસે ફાયર વિભાગની એનઓસી જ ન હતી. જેને પગલે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગે ઈન્સ્ટિટ્યૂટને સીલ મારીને વધુ તપાસ હાથ ધરી હતી.
અઠવા ઝોન પોલીસ ફરિયાદ નોંધાવશે
સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગ દ્વારા અઠવા ઝોનને જાણ કરવામાં આવ્યા બાદ હવે અઠવા ઝોન દ્વારા આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે પછી ઈન્સ્ટિટ્યૂટના સંચાલકોના ખોળે બેસીને સમગ્ર કેસ રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવશે તે અંગે તર્ક- વિતર્ક શરૂ થઈ ચુક્યા છે.
શહેરમાં એક મહિનામાં ચોથી ઘટના
સુરત શહેરમાં એક જ મહિનામાં આ ચોથી ગોઝારી દુર્ઘટના સર્જાવા પામી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક થતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ અગાઉ રામપુરા ખાતે આવેલ રાજાવાડીમાં ગેરકાયદેસર ઓઈલ ડેપોમાં અગ્નિકાંડ બાદ કતારગામના સિંગણપોર ચાર રસ્તા પાસે ડિવાઈન સેન્ટરમાં આગ લાગતાં 22 વિદ્યાર્થીઓને ફાયર વિભાગે ભારે જહેમત બાદ બચાવવામાં સફળતા સાંપડી હતી. આ સિવાય હાલમાં જ કતારગામના કિરણ હોસ્પિટલ પાસે ઝરીવાલા કમ્પાઉન્ડમાં પેરાફિટની દિવાલ ધરાશાયી થતાં બે નિર્દોષના મોત નિપજ્યાં હતા. આ ત્રણેય દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે આજની દુર્ઘટનામાં અઠવા ઝોન પોલીસ ફરિયાદ નોંધાવશે તેવી શક્યતાઓ હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published On - 4:27 pm, Wed, 30 March 22