રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સુરત કોર્પોરેશન નવા 3 ઢોર ડબ્બા બનાવશે, 19 લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની ભરતી કરાશે

ભવિષ્યની કામગીરીના ભાગરૂપે મનપા દ્વારા ત્રણ નવા ઢોર-ડબ્બાં બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત, મ્યુનિસિપલ ઢોર-ડબ્બામાં જ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ સેન્ટર (રખડતાં કૂતરાઓ માટે) બનાવવાનું પણ આયોજન છે.

રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સુરત કોર્પોરેશન નવા 3 ઢોર ડબ્બા બનાવશે, 19 લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની ભરતી કરાશે
Surat Municipal Corporation (File Image )
| Edited By: | Updated on: Sep 15, 2022 | 9:23 AM

રખડતાં ઢોરની (Stray Cattles ) સમસ્યાના નિરાકરણ માટે હાઇકોર્ટના (High court ) સ્પષ્ટ નિર્દેશને પગલે સુરત સહિત રાજ્યભરમાં તાજેતરમાં આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં ગેરકાયદેસર તબેલાઓના ડીમોલિશનને પગલે માલધારી સમાજ દ્વારા ધરણાં કાર્યક્રમ કરાયો હતો. જોકે, ત્યારબાદ રાજકીય નિર્ણય હેઠળ મનપા દ્વારા ગેરકાયદેસર તબેલાંઓના ડીમોલિશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટના સ્પષ્ટ નિર્દેશાનુસાર ભવિષ્યમાં પણ રખડતાં ઢોર અને ગેરકાયદેસર તબેલાંઓ બાબતે ઝૂંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવાની છે તે નિશ્ચિત છે.

ભવિષ્યની કામગીરીને ધ્યાને રાખી મનપા તંત્ર દ્વારા માર્કેટ વિભાગના મહેકમ શીડ્યૂલ્ડ પર લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની નવી 18 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. હાલ માર્કેટ વિભાગની કામગીરી સરથાણા નેચરપાર્ક ખાતે લાઇવ સ્ટોક ઇન્સપેક્ટરની 15 મંજૂર જગ્યા પૈકી 9 જગ્યા ભરવામાં આવેલ છે અને ખાલી રહેલ જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી છે. દરેક ઢોરડબ્બાં પાર્ટી સાથે એક-એક લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર રાખવામાં આવે છે. જ્યારે મનપા સંચાલિત ભેસ્તાન ઢોર-ડબ્બાં ખાતે જાનવરોની દેખરેખ માટે રાઉન્ડ ધ ક્લોક એક લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર સહિત કુલ ચાર ઇન્સપેક્ટરો રાખવામાં આવે છે.

ભવિષ્યની કામગીરીના ભાગરૂપે મનપા દ્વારા ત્રણ નવા ઢોર-ડબ્બાં બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત, મ્યુનિસિપલ ઢોર-ડબ્બામાં જ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ સેન્ટર (રખડતાં કૂતરાઓ માટે) બનાવવાનું પણ આયોજન છે. આ માટે કુલ 18 લાઇવ ઇન્સપેક્ટરોની જરૂર ઊભી થશે. પરિણામે આ જગ્યા કાયમી ધોરણે ઉપસ્થિત કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

રખડતા ઢોર નો વધુ એક શિકાર :

સુરતમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. જેમાં પાંડેસરા કૈલાશનગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા આધેડ વ્યક્તિ પર ગાયે હુમલો કરતા તેઓ લોખંડની જાળી સાથે ભટકાયા હતા. જેમને ઇજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.