ડિસેમ્બર મહિનામાં સુરત શહેરમાં કોરોના (corona) વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિયેન્ટની એન્ટ્રી બાદ સંક્રમણના દરમાં બેફામ વધારો જોવા મળ્યો હતો. એક તબક્કે માત્ર સુરત શહેરમાં જ રોજના 3500થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી સંક્રમણના દરમાં આંશિક ઘટાડો થતાં વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ત્રીજા તબક્કાની મહામારી પર આંશિક રીતે અંકુશ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી છે. જો કે, નાગરિકોને હજી પણ કોવિડ-19ની ગાઈડ લાઈનનું પાલન કરવાની સાથે સાથે સાવચેત રહેવા માટે તેઓએ અપીલ કરી હતી.
જે નાગરિકોએ વેક્સીન ન લીધી હોય તેવા દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ તેઓ દ્વારા જણાવાયું હતું. વેક્સીન ન લેનારા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સીજન અને બાઈપેપ સહિત વેન્ટીલેટરની પણ જરૂરિયાત ઉભી થઈ રહી હોવાને કારણે મહત્તમ સંખ્યામાં લોકોને વેક્સીન લેવા માટે કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી પ્રશંસનીય રહેવા પામી છે. હાલ સુરત શહેરમાં પહેલા ડોઝમાં 118 ટકા જ્યારે બીજા ડોઝમાં 90 ટકાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિવાય 15થી 18 વર્ષના બાળકોમાં પણ 85 ટકાથી વધુ વેક્સીનેશનનો ટાર્ગેટ હાંસલ કરી લેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વેક્સીનેશન કોરોના મહામારી સામે અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
એક તબક્કે રાજ્યમાં અમદાવાદ બાદ સુરત શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને પગલે શાળાના સંચાલકો સહિત વાલીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. જેને પગલે કમિશનર દ્વારા શાળા સંચાલકોને પણ જણાવાયું હતું કે, વિદ્યાર્થીઓ શાળામાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરે તે હિતાવહ છે.
ત્રીજા તબક્કાની મહામારીમાં સતત વધી રહેલો કેસો વચ્ચે શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા 400થી ઉપર પહોંચી જવા પામી હતી. બીજી તરફ સુરત શહેરમાં રિકવરી રેટ પણ 85 ટકાની નીચે પહોંચી ચુક્યો હતો. છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહેલા કેસો અને ડિસ્ચાર્જને પગલે હાલ સુરત શહેરમાં હાલ કુલ 17564 એક્ટીવ કેસો પૈકી માત્ર 323 દર્દીઓ જ સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરમાં આજે બપોર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે બપોર સુધીમાં શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 450 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરી મહિનાના પ્રારંભ સાથે જ બપોરે કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો એક હજારની ઉપર પહોંચી જવા પામ્યો હતો. જો કે, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સતત ઘટી રહેલા આંકડાઓને પગલે હવે તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં સૌરાષ્ટ્ર ઝોનની 1500થી વધુ શાળાઓમાં થશે ફી વધારો, FRCએ 5 થી 10 ટકા સુધીનો વધારો મંજૂર કર્યો
આ પણ વાંચોઃ રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન