સુરત 21મી સદી જ્ઞાન વિજ્ઞાન(Science ) અને આધુનિકતાની સદી છે. તેવામાં શેરના પાટીદાર યુવાવર્ગ દ્વારા યુવાઓના સર્વાંગી વિકાસ માટે સરદારધામ ભવનનું(Sardar Dham ) નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિશન 2026 અંતર્ગત સુરતમાં અંદાજે 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરવાની તૈયારી કરાઈ રહી છે. સરદારધામના પહેલા ચરણમાં એક હજાર દીકરીઓ અને એક હજાર દીકરાઓ માટે આવાસ ભોજન અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
આ ક્ષમતા વધારીને 10 હજાર કરવાનો પણ લક્ષ્ય છે. સરદારધામમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બધી જ સુવિધાઓ મફત આપવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેની સાથે જ આર્થિક રીતે નબળા દીકરાઓના ખર્ચ પણ સંસ્થાના દાતાઓના સહયોગથી ઉઠાવવામાં આવશે.
સરદારધામ બનાવવા માટે જમીન શોધવા કમિટી બની :
સરદારધામના પદાધિકારીઓએ જણાવ્યું છે કે સુરતમાં આ સરદારધામ ક્યાં બનશે તેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. જે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં જમીનના વિકલ્પો શોધશે. તે બાદ યોગ્ય જગ્યા પર સરદારધામનું નિર્માણ કરવામાં આવશે. સુરતના યુવાનોને આ વિચાર અમદાવાદમાં 200 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ સરદારધામ ભવનની મુલાકાત લીધા પછી આવ્યો છે. સરદારધામમાં દીકરીઓને લાભ માટે એક રૂપિયાના ટોકન પર પ્રવેશ આપવામાં આવશે. જયારે સક્ષમ દીકરીઓની પાસેથી મામૂલી રકમ લઈને પ્રવેશ આપવામાં આવશે.
પહેલા તબક્કામાં બે હજાર બાળકોને આપવામાં આવશે સુવિધા :
સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું છે કે સુરતમાં પાટીદાર સમાજની વસ્તી 18 લાખ નજીક છે. જેના પ્રમાણે સુરતમાં ઓછામાં ઓછા 10 હજારની ક્ષમતા ધરાવતા ભવનની જરૂરિયાત છે. પરંતુ પહેલા તબક્કામાં સરદારધામમાં એક હજાર દીકરીઓ અને 1 હજાર દીકરાઓ માટે રહેવા, ખાવા પીવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના બાળકો સિવિલ સર્વિસ, એન્જીનીયરીંગ અને મેડિકલ સહિત અન્ય ક્ષેત્રોમાં કેરિયર બનાવી શકે તે માટે ભાર આપવામાં આવશે. અહીં મોટાભાગની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.