સુરતના (Surat ) નવસારી બજાર ચાર રસ્તાથી સગરામપુરા પુતળી સુધીના રસ્તા પર ટ્રાફિક(Traffic ) જામની વિકટ સમસ્યાને કારણે કાયમી ઉકેલ (Solution ) શોધવાના પ્રયાસરૂપે મેયર , મનપા કમિશનર સહિત અધિકારીઓની ટીમ અને ધારાસભ્ય અરવિંદ રાણાએ સ્થળ વિઝિટ કરી વિવિધ વિકલ્પોની ચકાસણી કરી હતી . જોકે , આ રોડ પર હવે લાઇનદોરી મૂકવાનું સંભવ નથી . કારણ કે , અગાઉ રોડની બન્ને બાજુ લાઇનદોરીનો અમલ થઇ ગયો છે .હવે આ રોડ લાઇનદોરી મૂકીને પહોળો કરવાનું સંભવ જણાતું નથી .
ધારાસભ્ય બન્યા બાદ અરવિંદ રાણા દ્વારા સતત આ રોડનું ટ્રાફિક ઘટાડવાના હેતુથી કાયમી નિરાકરણ માટેની માગણી કરી વિવિધ વિકલ્પો રજૂ થતાં આવ્યા છે . બુધવારે મેયર , કમિશનર સહિતની ટીમે ધારાસભ્ય અરવિંદ રાણાની સાથે જ સ્થળ વિઝિટો કરી હતી . અંદાજે એકાદ કલાકની મથામણ બાદ પણ નવસારી બજાર ચારરસ્તા સગરામપુરા પૂતળી સુધીના રસ્તા પર ટ્રાફિક જામની વિકટ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવાનું કોઇ વિકલ્પ સામે આવ્યો નથી .
ધારાસભ્ય રાણા દ્વારા ટ્રાફિક સમસ્યાના હલ માટે બ્રિજની શક્યતા ચકાસવા પણ રજૂઆત કરી હતી . આ રૂટ પર બ્રિજ શક્ય ન હોવાનો સ્પષ્ટ અભિપ્રાય બ્રિજ સેલ વિભાગે આપ્યો હતો . મેયર સહિતની ટીમે વિવિધ વિકલ્પો ચકાસણીના હેતુ એક બિલ્ડિંગની ટેરેસ પરથી આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યુ હતું . તે દરમિયાન ગોપીતળાવના પાછળના ભાગે રાવણતાડ વિસ્તારને જોડતો એક રોડ ડેવલપ થઇ શકે તેવી શક્યતા નજરે પડી છે .
જેની ફિઝિબિલિટી તપાસવા તંત્રને સૂચના આપવામાં આવી છે . ગોપીતળાવની બાજુમાં સ્થિત અન્ય બે ખુલ્લા પ્લોટો પણ પે એન્ડ પાર્ક માટે અપાશે ગોપીતળાવની બાજુમાં સ્થિત પે એન્ડ પાર્ક સિવાયના અન્ય બે ખૂલ્લા પ્લોટ પણ ગેરકાયદેસર દબાણોને દૂર રાખવાના હેતુથી પે એન્ડ પાર્ક માટે આપવાનું નક્કી કરાયું છે . હાલ ગોપીતળાવની બહાર મલ્ટિલેવલ પાર્કિંગ અને અન્ય એક ખૂલ્લો પ્લોટ ઇજારદારને સોંપવામાં આવ્યો છે . હવે તેની બાજુના અન્ય બે પ્લોટો પર પણ દબાણની સમસ્યા ઊભી થતાં પે એન્ડ પાર્ક માટે આપવાનું નક્કી કરાયું છે .
નોંધનીય છે કે ભાગળ અને નવસારી બજાર એ ઓલ્ડ સુરતના એવા મુખ્ય માર્ગો છે. જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. અહીં રસ્તાઓ સાંકડા હોવાને કારણે બ્રિજ બનવા કે રસ્તો પહોળો કરવાની કોઈ સંભાવના દેખાતી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે શાસકો તેનું નિરાકરણ કેવી રીતે લાવે છે.
આ પણ વાંચો :
સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે