સુરતના (Surat) રાણીતળાવ રોડ પર લાલગેટ ખાતે આવેલા એક કાપડના શોરૂમમાં (Cloth Show room) આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ધુમાડો નીકળતા દેખાતા સ્થળ ઉપર હાજર લોકોમાં દોડાદોડ મચી ગઈ હતી. જોકે શો રૂમ સવારે બંધ હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ જુદા જુદા ફાયર સ્ટેશનથી (Fire Station) ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી. જોકે ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ ખાતે આવેલ હકીમચીચીની દુકાન નજીક ગ્રાઉન્ડ સહિત બે માળનું મકાન છે. જેના પહેલા માળે કાપડનો શો રૂમ છે. શો રૂમની અંદર મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હતો તેમજ ત્યાં સિલાઇનું કામ પણ થતું હતું. આજે સવારે શો રૂમ બંધ હતો. દરમિયાન 11.58 કલાકે અહિયાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આગની ઘટનાના સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈ ઘાંચીશેરી, મુગલીસરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાની જહેમત ઉઠાવી હતી. એટલું જ નહીં ઘટના સ્થળની આજુ બાજુ સાંકડી ગલીઓ હોવાથી ફાયરના જવાનોને અંદર સુધી જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
જોકે અડધાથી પોણા કલાકમાં ઘટના ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાથી પહેલા માળે કાપડનો મોટો જથ્થો અને ત્રણ સિલાઈ મશીન સહીત સામાન બળી ગયા હતા. જ્યારે પાણીના કારણે ગ્રાઉન્ડ પર રહેલ માલને પણ નુકશાન થયું હતું. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: Raisina Dialogue: દિલ્હીમાં શરૂ થયો રાયસીના ડાયલોગ, યુરોપિયન કમિશનના ચીફે પીએમ મોદીના કર્યા વખાણ