
Surat : આજે સમગ્ર દેશ 77મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. ત્યારે સુરતની લાજપોર જેલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 77મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ જેલના બહારના ભાગે તથા જેલના અંદરના ભાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ દેશભક્તિને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ છે અને દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. સુરત શહેરમાં પણ વિવિધ જગ્યાએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા ત્યારે સુરતની લાજપોર જેલમાં 77મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જ્યાં જેલના કર્મચારીઓ, બંદીવાનો અને સ્ટાફે દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ, ક્લેરીકલ સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો તથા તમામ બંદીવાનોને ‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’ લેવડાવી હતી.
જેલમાં રહેલા બંદિવાનોમાં દેશ ભક્તિની ભાવના જાગૃત થાય તેવા હેતુથી જેલના બંદિવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભક્તિને લગતા કાર્યક્રમો જેવા કે, ચંદ્રયાન મિશન, કમાન્ડો પર્ફોમન્સ, શહીદ ભગતસિંહના સંવાદ અને ફાંસીનો અભિનય, સર્વ ધર્મ સમભાવ તથા વિવિધતામા એકતા અંગે અભિનયનું નાટક કરી રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્ય માફીમાં આ જેલના 2 (બે) પાકા કામના કેદીઓ અબ્દુલ હમીદ ઉર્ફે મુન્ના મણીયાર અને રાજેશ ઉર્ફે રાજુ ઉત્તમભાઇ કોળીને જેલ અધિક્ષક દ્વારા ધાર્મિક પુસ્તક અર્પણ કરી જેલ મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જેલમાં રહી સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્મક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા નાયબ અધિક્ષક પી.જી.નરવાડે, નાયબ અધિક્ષક ડી.પી.ભટ્ટ, સીનીયર જેલર એમ.એન.રાઠવા, સીનીયર જેલર પી.ડી.હિહોરીયા તેમજ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાનો હાજર રહી 77મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો