સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર રોગ દેખા દેતા અશ્વ પાલકો ચિંતાતુર બની ગયા છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાતા મોટી આફત આવી પડી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ગ્લેન્ડર નામના રોગને કારણે અશ્વ ઉપર જીવનું જોખમ ઊભું થયું છે. અશ્વોમાં ગંભીર બીમારી ગણાતો ગ્લેન્ડર રોગ જોવા મળ્યો છે જેના પગલે 6 અશ્વોને મારી નાંખવાની ફરજ પડી છે આ બાબતે અશ્વ માલિકોની ચિંતામાં વધારો થયો છે અને તેઓ ધર્મ સંક્ટમાં આવી પડ્યા છે.
પશુ ચિકિત્સકોએ લીધેલા સેમ્પલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર લાલ દરવાજા વિસ્તારમાં 150 કરતાં વધુ અશ્વોના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. એટલું જ નહીં આ રોગ પશુમાંથી મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્રએ આ વિસ્તારના પશુઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ શરૂ કરી ગ્લેંડર પોઝિટિવ આવેલા અશ્વો પાળનારાં પરિવારજનોનો સેમ્પલ લેશે. તેમજ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપશે.
એવી શક્યતા છે કે, અશ્વમાંથી આ રોગ માનવામાં પણ આવી શકે છે. ખાસ કરીને ગ્લેન્ડર રોગમાં પોઝિટિવ આવ્યા હોય અને અશ્વની ખૂબ જ નજીક રહેતા હોય એવા વ્યક્તિમાં આ રોગ પ્રવેશી શકે છે. જેથી લાલ દરવાજા વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધીના અંતરમાં અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ કહ્યું હતું કે ગ્લેન્ડર રોગ અશ્વકુળના ગદર્ભ, અશ્વ અને ખચ્ચર વગેરે પશુઓમાં ફેલાય છે. આ રોગમાં બેક્ટેરિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પશુને ખૂબ વધુ તાવ આવી જાય છે .તેમજ ચામડી ઉપર ચાંદા જેવાં લક્ષણો દેખાય છે. જે અશ્વમાં ખાંસીનો પ્રકાર હોય તેમાં પણ આ લક્ષણ દેખાય શકે છે. વધુમાં તેમણે કહ્યું કે આ રોગમાં અન્ય અશ્વો પણ વધુ પોઝિટિવ થઈ શકે છે. તેમજ માનવોમાં પણ આ રોગનાં લક્ષણ દેખાઇ શકે છે. જેથી ખૂબ જ ગંભીર બાબત છે.