સુરતના ઊંધના વિસ્તારમાં આવેલા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં 13મી નવેમ્બરે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા 16 જેટલા વાહનો આગમાં ભડથું થઈ ગયા ફક્ત વાહનો જ નહીં પરંતુ પાર્કિંગમાં લાગેલા 20 જેટલા વીજ મીટર પણ બળીને ખાક થઈ ગયા.
જ્યારે એપાર્ટમેન્ટના રહીશો સવારે ઉઠ્યા ત્યારે સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો તો એવું લાગ્યું કે પાર્કિંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેના કારણે વાહનો અને મીટર આગમાં સળગી ગયા છે. જોકે સમગ્ર મામલે પોલીસને ખ્યાલ આવતા તેણે પણ તપાસ હાથ ધરી હતી.
પલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં મોડી રાતના અમુક લોકોની શંકાસ્પદ રીતે અવરજવર સામે આવતા પોલીસે મામલો ગંભીર ગણી વધુ તપાસ હાથ ધરતા ચોકાવનારી હકીકતો સામે આવી છે.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે ઊંધના વિસ્તારમાં પેટ્રોલ ચોરી કરતી ટુકડી સક્રિય થઈ હતી અને આ ટુકડી દ્વારા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં પણ રાત્રિના સમયે પેટ્રોલ ચોરી કરવા આવ્યા હતા. જોકે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા વાહનોમાંથી જ્યારે આ ગેંગ પેટ્રોલ ચોરી કરતી હતી તે દરમિયાન ગેંગના બે સભ્યોએ ત્યાં સિગારેટ પીધી હતી અને જેની સળગતી માચીસની દીવાસળી નીચે ફેંકી હતી.
જેથી નીચે પડેલા પેટ્રોલનાં ટીપાંમાં આ દીવાસળી પડતા આગ લાગી હતી. જે આગમાં 16 જેટલા વાહનો અને 20 જેટલી મીટર પેટીઓ સળગી ગઈ હતી જેને લઈને જ આ ત્રણેય પેટ્રોલ ચોર ત્યાંથી તાત્કાલિક નાસી છૂટ્યા હતા. જે મામલાની તપાસ કરતા પોલીસે આયુષ કુશવાહા, પૂર્વીશ પટેલ અને એક સગીર આરોપીની ધરપકડ કરી છે.
ત્રણેય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ પેટ્રોલ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, જે મામલે તેઓ પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હજુ વધશે પ્રમાણ, 5 દિવસ બાદ વરસાદની આગાહી
હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ પેટ્રોલ ચોર ગેંગમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ આ રીતે ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ.