સુરત (Surat ) શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી લગાતાર કોરોનાના(Corona Cases ) કેસોમાં ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં બુધવારે બપોર સુધીમાં કોરોનાના નવા 1102 કેસો નોંધાયા છે. જયારે બપોર સુધીમાં વિદ્યાર્થીઓ અને યુવાનો મળીને કુલ 4500 લોકોને કોવેક્સિન (Vaccine ) મુકવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મંગળવારે શહેરમાં 3500 થી વધારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા. જેમાં પ્રથમ નંબરે રાંદેર અને બીજા નંબરે અઠવા ઝોન આવે છે. જોકે બુધવારે બપોર સુધી શહેરના વિવિધ 9 ઝોનમાં ટેસ્ટિંગ કરવામાં આવતા 1102 જેટલા નવા કેસોનો ઉમેરો થયો છે.
સુરત સહીત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી બાદ ત્રીજા તબક્કાની લહેરનો પ્રારંભ થઈ ચુક્યો છે. રોજેરોજ નવા રેકોર્ડ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો આગામી દિવસોમાં સાત હજાર સુધી દૈનિક પહોંચે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. આ સ્થિતીમાં સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ અનેક મોરચે લડી રહ્યું છે.
વેક્સિનેશનનો પડકાર પાર પાડ્યો :
છેલ્લા એક વર્ષથી શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન અભિયાનમાં સુરત મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં સૌથી મોખરાનું સ્થાન મેળવી ચુકી છે. અત્યારસુધી સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વયજૂથના નાગરિકોના પહેલા અને બીજા તબક્કા તથા બુસ્ટર ડોઝ સહીત કુલ 75.50 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં 50 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી માં અગ્રેસર સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડા આશિષ નાયકે જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં વેક્સિનેશન મુદ્દે લોકોમાં પ્રવર્તી રહેલઈ શંકા કુશંકા દૂર કરવાનો સૌથી મોટો પડકાર હતી.
જોકે સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા જનજાગૃતિ અભિયાનને પગલે સુરત આજે રાજ્યમાં વેક્સિનેશન મુદ્દે મોખરાનું સ્થાન ધરાવે છે. આરોગ્ય વિભાગની પહેલા ડોઝની કામગીરી 118 ટકા જયારે બીજા ડોઝની કામગીરીમાં 90 ટકા સિદ્ધિ હાંસલ થઇ છે.
સુરત શહેરમાં આજે બપોર સુધી વધુ 1100થી વધુ નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. સતત વધી રહેલા કેસો વચ્ચે હવે વધુ એક વખત શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે સુરતમાં 400થી વધુ નાગરિકો અલગ – અલગ હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે બપોર સુધી શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 1102 નાગરિકોના કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બપોર સુધી નોંધાયેલા અત્યાર સુધીના તમામ કેસોમાં આજે આંકડો સૌથી વધુ નોંધાયો છે અને જેને પગલે આજે સાંજ સુધી નિશ્ચિતપણે કોરોનાગ્રસ્ત કુલ દર્દીઓનો આંકડો ચાર હજારને વટાવી જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :