સુરત (Surat )શહેરની 52 સ્વનિર્ભર શાળાઓ (Private schools) પર બીયુ સર્ટિફિકેટ તેમજ રમતગમતના મેદાન મુદ્દે લટકતી તલવાર જોવા મળી રહી છે. જેના શિક્ષણજગતમાં ભારે ઊહાપોહ સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે . સુરત જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer) કચેરીએ શાળાઓને ફટકારેલી નોટિસને પગલે શાળા સંચાલકોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે . દરમિયાન એક આરટીઆઇમાં 75 શાળાના ઉલ્લેખ સામે 52 શાળાઓને એકસાથે નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે. સુરતની શાળાઓને ફટકારાયેલી નોટિસ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે રાજ્યસ્તરે રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી છે.
સુરત શહેરની 52 સ્વનિર્ભર શાળાઓને નોટિસ ફટકારવાના પ્રકરણમાં શાળા સંચાલકોના જણાવ્યા મુજબ , 2020 ના વર્ષમાં શાળાઓમાં મેદાનની સુવિધા , બીયુ સર્ટિફિકેટ સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને આરટીઆઇ કરાઇ હતી. તે યાદીમાં સુરતની 75 શાળાઓના નામની યાદી, ફોટા સહિતની વિગતો સામેલ હતી. જેમાં પ્રથમ તબક્કામાં એકલદોકલ શાળાઓને નોટિસ ફટકારવાની સાથે જ તેની મંજૂરી રદ કરવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. આ પ્રયોગ સફળ રહેતા એકસાથે 52 શાળાઓને નોટિસ ફટકારાઇ છે. જેને લઇને ઊહાપોહ શરૂ થયો છે.
આ સિવાય અગાઉ 13 શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા. તે પૈકી પણ માત્ર 7 શાળા સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાળું હોવાની ચર્ચા ચાલી હતી. જ્યારે આ વખતે 52 શાળાને નોટિસ મુદ્દે સંચાલકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.
52 શાળાઓને નોટિસ અને રાજ્યસ્તરે રજૂઆત મુદ્દે રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ – ગુજરાતના પ્રમુખ જગદીશ ચાવડાએ જણાવ્યુ હતું કે , શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને અપાયેલી નોટિસ મુદ્દે રાજ્યસ્તરે રજૂઆત કરી છે. તેનો હકારાત્મક પ્રતિસાદ મળશે એવી ખાતરી છે. જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – સુરતના પ્રમુખ આનંદ ઝીંઝાળાએ જણાવ્યું હતું કે , 52 શાળા બંધ થશે તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મુકાવાની સાથે અનેક કર્મચારી, શિક્ષકોની રોજગારી છીનવાશે. આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું.
આ પણ વાંચો-
આ પણ વાંચો-