SURAT : સુરત શહેરમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત કોર્પોરેશને એક જ દિવસમાં 50 હજારથી લઈ 1 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. 14થી 20 ડિસેમ્બર સુધી ચાલનાર મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં મહત્તમ લોકોને આવરી લેવામાં આવશે. શહેરના 317 કેન્દ્રો પર 12 કલાક સુધી વેક્સિનેશનની કામગીરી ચાલશે. તેમજ બીજો ડોઝ લેનારને એક લીટર તેલ આપવાની જાહેરાત પણ કોર્પોરેશને કરી છે. મહત્વનું છે કે શહેરમાં 5.60 લાખ લોકો હજુ પણ વેક્સિનના બીજા ડોઝથી વંચીત છે. ત્યારે વધુને વધુ લોકોને વેક્સિનેશનમાં આવરી લેવા માટે કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે.
આજે તારીખ 14/12/2021, મંગળવારના રોજ સુરત શહેરના તમામ રસીકરણ કેન્દ્રો પર સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, તો ચાલો, રસીકરણ કેન્દ્ર પર જઈ રસી મુકાવી કોરોના સામેની લડાઈમાં ભાગીદાર બનીએ.#CovidFreeSurat #CoronaKoHarana #SMC pic.twitter.com/VEUfewpmqI
— My Surat (@MySuratMySMC) December 14, 2021
રસીકરણ અભિયાન અંતર્ગત સુરત શહેરમાં પ્રથમ ડોઝની 112 ટકા, જ્યારે બીજા ડોઝની 77 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. સુરત શહેરમાં 5.60 લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓનો બીજો ડોઝ બાકી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા આ તમામ લોકો પણ વેક્સિન લઇ લે તે માટે આજે 14 ડીસેમ્બર સવારથી જ મેગા વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. આજે મેગા ડ્રાઈવમાં સવારથી રાતના 9 વાગ્યાથી સુધી રસીકરણ ઝુંબેશ ચાલશે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 5.60 લાખ લોકોએ હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી અને આવી સ્થિતિમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચુકી છે, જેના પગલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
ગઈકાલે 13 ડિસેમ્બરે સુરતમાં ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ નોંધાઈ ગયો છે. આ સાથે જ ગુજરાતમાં ઓમિક્રોનવાયરસના 4 કેસ થઈ ગયા છે. સુરતમાં ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને તકેદારીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેમજ લોકોને પણ હવે વધારે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ
આ પણ વાંચો : સુરતમાં 1 હજાર 16 કરોડનું મસમોટું ડાયમંડનું આયાત-નિકાસ કૌભાંડ ઝડપાયું, 3 લોકોની ધરપકડ