માંડવી(Mandvi ) નગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ પશુઓને(Cattles ) પકડી પાંજરાપોળ ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરપાલિકા દ્વારા ટાઉન માં રખડતા પશુઓને પકડવાની કામગીરી અગાઉ પણ હાથ ધરવામાં આવી હતી તેમજ રખડતાં પશુઓ ને પકડી પાંજરાપોળ મોકલી આપવામાં પણ આવ્યા છે. પાલિકા દ્વારા સરકારની કે પછી કોર્ટ ની ગાઈડલાઈન મુજબ રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા રખડતા ઢોરો મુદ્દે ટાઉન માં જાહેરાત કરવામાં આવી છે કે ટાઉન માં રખડતાં પશુઓ ને પોતાના માલિકો દ્વારા લઈ જવા નહીં તો પાલિકા દ્વારા રખડતા પશુઓ ને પકડી પાંજરાપોળ મોકલી આપવામાં આવશે તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રખડતાં પશુઓ ને કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભોગ બની રહ્યા હોવાની વ્યાપક ફરીયાદો વારંવાર ઉઠી રહી છે. તેમજ રખડતાં પશુઓ લોકોના ઓટલા પર, દુકાનોના આંગણે મળમૂત્ર કરી ગંદકી ફેલાવતા હોય છે.
જેથી હવે હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે મહાનગરપાલિકા અને મેટ્રો શહેરોની જેમ નગરપાલિકા લેવલ પર પણ રખડતા ઢોરોની સમસ્યાનો અંત લાવવા શાસકો અને તંત્ર દ્વારા કમર કસવામાં આવ્યા છે. માંડવી તાલુકામાં પણ રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોની વ્યાપક ફરિયાદો ઉઠતી આવી છે, પણ અત્યારસુધી તેમની આ ફરિયાદો કાને ધરવામાં આવતી ન હતી. પણ હવે હાઇકોર્ટના કડક વલણ બાદ અહીં પણ આ કાર્યવાહી કડક કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે.
જોવાનું એ રહે છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી ફક્ત બે ચાર દિવસ દેખાડા પૂરતી રહે છે, કે પછી લોકોને પણ આ સમસ્યાથી કાયમી છુટકારો મળી રહેશે ?