ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ધોળકા આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટ કેસનો કરોડોનો મુદ્દામાલ વેપારીને પરત અપાવ્યો છે. 299 નંગ હીરાનું પાર્સલ વેપારીને પરત કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પહેલી વાર લૂંટનો મુદ્દામાલ ટૂંકા સમયમાં પરત કરવામાં આવ્યો છે. સુરત આંગડીયા એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લૂંટનો 2.65 કરોડનો હીરાનો મુદ્દામાલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પરત કર્યો છે. હીરા વેપારીઓને પોતાનો કરોડો રુપિયાનો માલ પરત મળતા સુરત હીરા બજારમાં ખુશી જોવા મળી રહી છે.
અમદાવાદ જિલ્લામાં 19 ઓક્ટોબર 2022ના રોજ અક્ષર આંગડીયા પેઢી તથા ગુજરાત આંગડીયા પેઢીના માણસો અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સમાં બેસી સુરત જતા હતા. તે દરમ્યાન રાત્રીના 1 વાગ્યાના સુમારે અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ધોળકા તાલુકના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી બસમાં બેસેલા 11 માણસોએ બસ રોકાવી કરોડોની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કિંમતી હીરા તથા રોકડ રકમ મળી કુલ રૂ. 2 કરોડ 75 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ દેશી તમંચા બતાવી લૂંટ કરી ચાર અલગ અલગ કારમાં બેસી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો. જે પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલીસે આરોપીઓનો પીછો કરી નાકાબંદી ગોઠવી સંયુક્ત ઓપરેશનથી આણંદના મહેળાવ–સુણાવ રોડ પરથી નવ આરોપીઓને ઝડપી લીધા હતા અને 299 હીરા જપ્ત કર્યા હતા. સાથે નવ આરોપીઓએ આ ગુનાના કામે વપરાયેલા હથીયારો દેશી બનાવટના ત્રણ તમંચા, 8 જીવતા કાર્ટીજ, 3 છરા જેવા મારક હથિયારો પણ કબ્જે કર્યા હતા. આ ગુનાના મુખ્ય આરોપીને સુરત PCB પોલીસની ટીમે ભારે મહેનત બાદ પકડી પાડ્યો હતો. આ લૂંટમાં આરોપીને પકડવા માટે ત્રણ જિલ્લાની પોલીસ અને સુરત સિટી પોલીસની ટીમ કામે લાગી હતી.
તપાસ દરમિયાન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. આમ કુલ 14 આરોપીને આ કેસમાં પકડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે. જે પછી આંગડિયા પેઢીના વેપારીઓનો મુદ્દામાલ જલ્દી તેમને મળી રહે તે માટે કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. જે પછી કોર્ટે આ રજૂઆતને ગ્રાહ્ય રાખી હીરા પરત કરવા હુકમ કર્યો હતો. ત્યારે આજે આંગડીયા એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વેપારીઓને તેમના હીરા પરત આપવામાં આવ્યા છે.