SURAT : સુરત શહેરમાં કોરોના મહામારી વધુ એક વખત માથું ઉંચકી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કેસો વચ્ચે ગઈકાલે સુરત શહેરમાં 17 દર્દીઓના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
બીજી તરફ ઓમિક્રોન વેરીએન્ટને કાબુમાં રાખવા માટે તંત્ર દ્વારા પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર સહિતના પોઝીટીવ દર્દીઓના રિપોર્ટ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓના 40 જેટલા જીનોમ સિકવન્સ રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર અને ડેલ્ટા વેરિયન્ટથી 70 ગણું વધારે સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં જ દેશભરમાં ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમણનો આંકડો 300ને પાર કરી ચુક્યો છે.
સુરત શહેરમાં પણ અત્યાર સુધી ઓમિક્રોન પોઝીટીવ બે દર્દીઓ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. જે પૈકી રાહતની વાત એ છે કે, ઓમીક્રોન પોઝીટીવ એવા સાઉથ આફ્રિકાથી પરત ફરેલા વરાછાના હીરાના વેપારી અને દુબઈથી પરત ફરેલા છાપરાભાઠાની ફેશન ડિઝાઈનર મહિલાની તબિયત હાલ સ્થિર છે અને બન્નેના RTPCR નેગેટીવ આવી ચુક્યા છે.
આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી શહેરભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી કુલ 101 દર્દીઓના જીનોમ સિકવન્સ રિપોર્ટ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 60ના રિપોર્ટ આવી ચુક્યા છે અને હજી પણ 41 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : KHEDA જિલ્લામાં OMICRONના 3 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 43 થઇ
આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, શહેરમાં કુલ 9 કેસ થયા
આ પણ વાંચો : SURAT : યુકેમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લઈ આવનાર વેસુનો વિદ્યાર્થી અને કેનેડાથી પરત ફરેલ વ્યક્તિ પોઝીટીવ