સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબીના 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર પાટીલે 100 ટીબીના દર્દીઓને દત્તક લીધા. બીજા દર્દીઓને NGO દ્વારા દત્તક લેવાયા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટીબીના દર્દીઓને સરકારની દરમહિને જે 500 રુપિયાની મદદ મળે છે તે સિવાયની સી આર પાટીલ અને NGO દ્વાર કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ ડોક્ટર અને દાતાઓના સહકારથી આજે સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને નવી કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 100 દર્દીઓને દત્તક લીધા હતા. અને જણાવ્યું હતું કે પહેલા ટીબીના દર્દીઓ સાથે આભડછેટ રખાતી હતી. વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના 8 હજાર દર્દીઓને ટીબી મુક્ત કરીએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે દર્દીઓને નવી કીટ આપીને સરકારનો ટીબી નાબૂદીનો જે પ્રયાસ છે તેમાં સહાયભૂત થવાનો સફળ પ્રયત્ન કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. મળતી માહિતી અનુસાર કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા. આ અંગે રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના જોઈન્ટ ડાયરેક્ટર સતીશ મકવાણાના જણાવ્યાનુસાર ટીબીને કારણે 10થી 15 ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
વર્ષ કેસ
2014 93074
2015 109828
2016 126665