Surat : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના બસ સ્ટેશનથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી ‘હર ઘર તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, દર્શના બેન જરદોશ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મેયર હેમાલીબેન બોઘવાલા, ધારાસભ્યો, સુરત પોલીસ કમિશ્નર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો Surat : કિન્નર સમાજ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા, લોકોને તિરંગા અને બ્રોચનું વિતરણ પણ કરાયું
આ કાર્યક્રમમાં દેશભકિત આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. મહાનુભવોના હસ્તે હર ઘર તિરંગા ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સૌ કોઈ મહાનુભાવોએ તિરંગા અભિયાનમાં જોડાવાનો સંકલ્પ લીધો હતો. આ ભવ્ય તિરંગા યાત્રાથી સુરત શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા.
સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આઝાદી અપાવનાર, આઝાદીના લડવૈયાઓ, સીમાને સુરક્ષિત રાખનાર આપણા દેશના સૈનિકો, દેશના અનેક જવાનો જેણે શહાદત આપી હોય તેવા સૌ જવાનોને નમન કરતા દેશભરમાં કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગત વર્ષે પણ આપણે કદાચ જ કોઈ ગામમાં કોઈ ઘર બાકી રહી ગયું હોય ભૂલથી કે જ્યાં તિરંગા લહેરાયો ન હોય, આ વર્ષે ફરી એક વાર કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી આજે વહેલી સવારે હું છાપું વાંચતો હતો ત્યારે જોયું કે ટોપ લીસ્ટેડ આંતકવાદીના ભાઈ પણ કશ્મીરમાં આખા પરિવાર સાથે જોડાઈને કશ્મીરમાં તિરંગો શાનથી લહેરાવ્યો છે.
એક મોટો બદલાવ દેશમાં નજરે પડી રહ્યો છે, કશ્મીરના એ લાલચોકમાં 2014 પહેલા એ દ્રશ્યો આપણે સૌ લોકોએ જોયા છે કે જ્યાં પાકિસ્તાનના ઝંડા લહેરાતા હતા તેવા વિસ્તારોમાં ત્યાંના જ નાગિરકો શાનથી આજે ભારત દેશનો ઝંડો લહેરાવી રહ્યા છે. આઝાદીના વર્ષો પછી ફરી એક વખત દેશમાં આઝાદી વખતે જે પ્રકારે માહોલ હતો એ પ્રકારે દેશભક્તિનો માહોલ આ વર્ષે નજરે પડી રહ્યો છે.
નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આપણા ઘર આંગણે તિરંગાને આપણે જેટલી સહજતાથી હાથમાં લઈને ફરકાવીએ છીએ તેટલી જ સહજતાથી આપણા દેશના વીરોએ આઝાદી માટે શહીદી વ્હોરી હતી. દેશની આઝાદી માટે અનેક નવયુવાનોએ જેલના સળિયા પાછળ અંગ્રેજોની જુલ્મો સહન કર્યા હતા. તિરંગાને કોઈ પણ વ્યકિત ઘર, ઓફિસ પર ફરકાવી શકે તેવી સ્વતંત્રતા વડાપ્રધાને કાયદામાં સુધારો કરીને આપી છે. રાષ્ટ્ર પ્રેમના પ્રવાહમાં સમગ્ર સુરત તરબોળ બન્યું છે ત્યારે સૌ કોઈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો