cyber crime: સુરતમાં ઓનલાઇનમાં ઠગબાજ દ્વારા વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સમાં વીમા પોલિસીના બહાને લાખોના રૂપિયાની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. જુદા જુદા નંબર પરથી ફોન કરી વૃદ્ધ પાસેથી ચાર લાખથી વધુના રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધ દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તાત્કાલિક આ અંગે ફરિયાદ લઈ તેમણે ચૂકવેલા ચાર લાખથી વધુ રૂપિયા ફિઝ કરાવી લીધા હતા. પોલીસે આ કેસમાં અગાઉ છ જેટલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આજે ફ્રીઝ કરાવેલ રૂપિયા સુરત પોલીસ કમિશનરના હસ્તે ભોગ બનનાર વૃદ્ધ વ્યક્તિને પરત કરાવ્યા હતા.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા તુજકો તેરા અર્પણ મુજબ ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં પોલીસની કામગીરી દરમિયાન મુદ્દા માલ જે તે ફરિયાદીનો હોય તેને પરત કરવા માં આવી રહ્યા છે. આજ કાર્યક્રમ અંતર્ગત સુરત પોલીસ કમિશનર દ્વારા આજે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલ એક વૃદ્ધને તેના ચાર લાખથી વધુ રૂપિયા પરત આપ્યા હતા.
ગત 10 ઓક્ટોબર 2022 ના રોજ સુરત સાયબર સેલ પોલીસ મથકમાં વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા પોતાની સાથે વીમા પોલિસીના નામે છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને ઓક્ટોબર 2020થી અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી ફોન કરીને ઠગબાજો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચીને સુરેન્દ્રભાઈ સાથે છેતરપિંડી કરી હતી. સુરેન્દ્રભાઈ ને રિલાયન્સ કંપનીની વીમા પોલિસી આપવાના બહાને તેમની 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ ગુનામાં અગાઉ વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર છ જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત સાયબર સેલની ટીમ આરોપીની ધરપકડ કર્યા બાદ સૌપ્રથમ વૃદ્ધના પડાવી લીધેલ જુદા જુદા બેન્ક એકાઉન્ટના ખાતાના રૂપિયા તાત્કાલિક ફ્રીઝ કરાવી લીધા હતા. આરોપીઓ દ્વારા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ઉપયોગમાં લીધા હતા. ત્યારે પોલીસે તમામ બેન્ક એકાઉન્ટમાં તપાસ કરીને બેંકોમાં જરૂરી પુરાવાઓ રજૂ કરીને ભોગ બનનાર વૃદ્ધના 4,63,951 રૂપિયા ફ્રીઝ કરાવવામાં સફળતા મળી હતી. ત્યારે આ તમામ રૂપિયા આજે વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રીને સુરત પોલીસ અજય કુમારના હસ્તે તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદના જોધપુર સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તામાં ભરાયા પાણી, જુઓ Video
છેતરપિંડીનો ભોગ બનનાર સુરેન્દ્રભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા લોકો ઓછું ભણેલા હોય તેવા વ્યક્તિઓને ખાસ પોતાનું નિશાન બનાવે છે. ઉપરાંત મોટી ઉંમરના અને જેણે ઓપરેશન કરાવ્યા હોય છે તેવાની વિગતો મેળવીને તેમને વીમા પોલિસી અપાવવા માટે લોભામણી લાલચો આપે છે અને તેઓને ફસાવવામાં આવે છે. મને પણ આવી જ રીતે ફસાવીને મારી પાસેથી 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા. આજે મારા ગયેલા બધા જ રૂપિયા પોલીસે મને પરત અપાવતા હું પોલીસનો ખૂબ જ આભાર માનું છું.