પૂર્વ કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના (Congress) આગેવાન ડૉ. તુષાર ચૌધરી (Dr. Tushar Chaudhary)એ કેન્દ્રના વાહન વ્યવહાર પ્રધાન નિતીન ગડકરીને (Nitin Gadkari) પત્ર લખી સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ નાકા પર ઉઘરાવાતા ટોલ ટેક્સના દરોમાં ઘટાડો કરવાની માગણી કરી હતી. જો કે તે પછી સરકારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ પ્લાઝાનું સંચાલન કરનાર એજન્સીને 31 માર્ચે મુક્ત કરવાની અને 1 એપ્રિલથી ટોલ પ્લાઝા નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક લઈ લેવાનો તથા 120 રૂપિયા ટોલ ટેક્સ વસુલવાની જાહેરાત કરી છે. જેને લઇને રોષ ફેલાયો છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના સુરત રિજયનના અધિકારી સુરાજસિંહે જણાવ્યું હતું કે , એજન્સીના 13 વર્ષ પુરા થતા 1 એપ્રિલથી આ ટોલનાકુ NHAI ચલાવશે અને જરૂર પડશે તો બીજી ખાનગી એજન્સીના માણસો પણ ટોલની વસુલાત માટે જોતરાશે.
તો આ મામલે પૂર્વ કેન્દ્રીય પરિવહન પ્રધાન ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કરજણ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાકટ 17 માર્ચે અને કામરેજનો 31 માર્ચે પૂરો થવા જઈ રહ્યો છે. નિયમ પ્રમાણે ખાનગી વાહનો અને ટ્રાન્સપોર્ટરોને 60 ટેક્સમાં ઘટાડાની રાહત મળવી જોઈતી હતી. પણ NHAI ના નામે કેન્દ્ર સરકાર જ દેશના સૌથી બીઝી હાઇવે પર અવર જવર વાહન માલિકો , વ્યવસાયીઓ અને ટ્રાન્સપોર્ટરોને લૂંટવા માંગે છે. ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ – અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહન માલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું તે પછી આગળની રણનીતિ નક્કી કરીશું.
હાલમાં પેટ્રોલ – ડીઝલના ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે . જેને કારણે દરેક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મોંઘી થવા પામી છે. જેની સીધી અસર સામાન્ય માણસના જનજીવન પર પડી છે. ત્યારે જો ટોલના દરોમાં ઘટાડો થાય તો ટ્રાન્સપોર્ટેશન થોડું ઘણું સસ્તુ થાય અને તેનાથી લોકોને ઘણો મોટો ફાયદો મળી રહે તેમ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-