દેશમાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet train) યોજના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)ના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેન પર ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તેના માટે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે અને આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું વર્ષ 2017માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના સીએમડી સતીશ અગ્નિહોત્રીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના સુરત શહેરમાં પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થશે. NHSRCL સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ ટ્રેક માટે ચાર સ્ટેશન (વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ) બનાવવામાં આવી રહ્યા છે અને તે 2025 સુધીમાં બને તેવી શક્યતા છે.
સતીશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશન હીરાના આકારમાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં બે માળ હશે, જેમાં સ્ટેશનની ડિઝાઈન ડાયમંડ શેપમાં બનાવવામાં આવી છે જેથી દિવસ દરમિયાન વીજળીની કે કોઈ ખાસ લાઇટિંગની જરૂર ન પડે. સ્ટેશનના બાહ્ય શેલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ સૂર્યના કુદરતી પ્રકાશથી દેખાશે.
સુરત શહેરના બુલેટ ટ્રેન સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશન 48000 ચોરસ મીટરનું હશે. અહીં તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં ફૂડથી લઈને બેબી કેર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મુસાફરોની સુવિધા માટે વિવિધ પ્રકારના લોન્જ બનાવવામાં આવી રહ્યા છે.
જે રીતે મેટ્રો સ્ટેશન પર ટિકિટ અને કાર્ડ દ્વારા એન્ટ્રી કરવામાં આવે છે તેવી જ રીતે બુલેટ ટ્રેન સ્ટેશનો પર પણ એન્ટ્રી કરવામાં આવશે. ટ્રેનના આગમનના થોડા સમય પહેલા જ મુસાફરોને સ્ટેશન પર આવવા દેવામાં આવશે. મુસાફરોને નિર્ધારિત સમય કરતાં વધુ વેઇટિંગ એરિયામાં બેસવા દેવામાં આવશે નહીં.
આ પહેલા પણ રેલવે મંત્રાલયના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન વચ્ચે ચાર સ્ટેશનના નિર્માણ ઉપરાંત 237 કિલોમીટર લાંબી વાયડક્ટ પણ બનાવવામાં આવશે. ગુજરાતમાં બનનારા ચાર સ્ટેશનોમાંથી સુરતમાં તૈયાર થનારું રાજ્યનું પ્રથમ સ્ટેશન હશે. જો કે, કેન્દ્ર સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન સંપાદન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેના ઉકેલ માટેના પ્રયાસો પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ Invisible Shield: બ્રિટનમાં બનેલા આ ક્વચથી અદૃશ્ય થઈ જાય છે મનુષ્ય, વાંચો તે કેવી રીતે શક્ય છે
આ પણ વાંચોઃ રાજય સરકાર દ્વારા આઠ કલાક વીજળીની વાતો વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને આજથી છ કલાક વીજ પુરવઠો મળશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો