Surat: ડ્રીમ સિટી અને સ્માર્ટ સિટીના દાવા કરતી સુરત કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલતો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો. સુરતમાં બપોરના સમયે 15થી 20 મિનિટ પડેલા ધોધમાર વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના દૃશ્યો સામે આવ્યા. સહારા દરવાજા રેલવે ગરનાળા પાસે કમર સુધીના પાણી ભરાઈ જતા મુસાફરો ભરેલી BRTS બસ અધવચ્ચે જ બંધ થઈ ફસાઈ ગઈ હતી. બસ બંધ પડતા અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સામાન્ય વરસાદમાં જ કમર સુધીના પાણી ભરાતા મનપાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર હોવાની વધુ એકવાર પોલ છતી થઈ છે.
રેલવે ગરનાળા નજીક કમર સુધીના પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. રેલવે ગરનાળા નજીક જે બસ ફસાઈ તેમા અનેક મુસાફરો સવાર હતા. નાના-નાના બાળકોને લઈને મહિલાઓ પણ સવાર હતી અને વૃદ્ધો પણ સવાર હતા.બસ બંધ પડી જતા તમામ મુસાફરો અટવાઈ પડ્યા હતા. તમામના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરતમાં અવારનવાર આ પ્રકારે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. દર વર્ષે મનપાના બજેટમાં કરોડો રૂપિયા પ્રિમોન્સુન કામગીરી પાછળ ફાળવાય છે પરંતુ દર ચોમાસાએ આ જ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા જૈસૈ થેની સ્થિતિમાં જ હોય છે અને લોકોને ભાગે એ જ હાલાકી સહન કરવાની આવે છે.
દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મસમોટા દાવા તો મનપા દ્વારા કરાય છે પરંતુ જમીની વાસ્તવિક્તા અહીં જે દેખાય છે એ જ હોય છે. કહેવાતા સ્માર્ટ સિટીમાં કોઈ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સુવિધા જ ન હોય તેવુ લાગી રહ્યુ છે. મોટા મોટા દાવા કરતા SMCના અધિકારીઓ આટલા વર્ષો બાદ પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ તોડ શોધી શક્યા નથી. પાણીનો નિકાલ ન થતા દર વર્ષે આજ પ્રકારે પાણી ભરાઈ જાય છે અને નાગરિકો હાલાકી વેઠતા રહે છે અને નઘરોળ તંત્રના પેટનું પાણીય હલતુ નથી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:34 pm, Fri, 14 July 23