Bardoli : બારડોલી પંથકમાં લમ્પી વાયરસને અટકાવવા ઝુંબેશ શરૂ, પાંજરાપોળમાં બહારથી આવતા પશુઓને લેવાનું બંધ કરાયું

હાલ લમ્પી વાયરસના (Lumpy Virus) કારણે ખાસ કરીને ગૌશાળામાં બહારથી આવતા પશુઓમાં જો લમ્પી વાયરસના લક્ષણો હોય તો તેના સિવાય પણ અનેક બીજા પશુઓને તેની અસર થશે.

Bardoli : બારડોલી પંથકમાં લમ્પી વાયરસને અટકાવવા ઝુંબેશ શરૂ, પાંજરાપોળમાં બહારથી આવતા પશુઓને લેવાનું બંધ કરાયું
Lumpy Virus (File Image)
| Edited By: | Updated on: Aug 04, 2022 | 3:30 PM

લમ્પી વાયરસનાં(Virus ) પગલે હજારો મુંગા પશુઓ શિકાર બન્યા છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી(Bardoli ) પશુપાલન વિભાગ એલર્ટ થયું છે અને તાલુકાના ગામોમાં તકેદારીના ભાગરૂપે પશુઓમાં વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી છે. બારડોલીના મોતા ગામે આવેલ ગૌશાળા ખાતે પશુઓના વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા જ દિવસે 500 કરતા વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુઓમાં જોવા મળતો લમ્પી વાયરસનો રાજ્યભરમાં કહેર વર્તાઈ રહ્યો છે અને લમ્પી વાયરસનાં હાહાકાર વચ્ચે હજારો મૂંગા પશુઓ મોતને પણ ભેંટી રહ્યા છે. પશુઓ માટે આ વાયરસ જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પણ પશુ પાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે પશુ વિભાગ એક્શનમાં આવ્યું છે.

વાત કરીએ સુરત જિલ્લાના બારડોલીની તો બારડોલી પંથકમાં પણ મોટા પ્રમાણમાં પશુ પાલન સાથે ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય લોકો જોડાયેલા છે. ત્યારે બારડોલી પશુપાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પશુ ચિકિત્સકો દ્વારા ગામે ગામ જઈ પશુઓના રસીકરણની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં પણ બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોતા ગામથી પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

હજી સુધી એકપણ કેસ નહીં

તાલુકાના બીજા ગામોમાં ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં ગૌ શાળા તેમજ પાંજરાપોળ આવેલા છે અને જ્યાં મોટા સમૂહમાં પશુઓ રહે છે. ત્યાં પણ ખાસ તકેદારીના ભાગ રૂપે બારડોલી પશુપાલન વિભાગ દ્વારા આ સંદર્ભની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે રાહતની વાત એ છે કે હાલ બારડોલી તાલુકો કે સુરત જિલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ સામે આવ્યો નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં નહીં આવે તે માટે વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ ગામોમાં કામગીરી કરવામાં આવનાર છે.

પાંજરાપોળમાં બહારથી આવતા પશુઓને લેવાનું બંધ કરાયું

હાલ લમ્પી વાયરસના કારણે ખાસ કરીને ગૌશાળામાં બહારથી આવતા પશુઓમાં જો લમ્પી વાયરસના લક્ષણો હોય તો તેના સિવાય પણ અનેક બીજા પશુઓને તેની અસર થશે. જે બાબતે તકેદારી રાખવાના ભાગરૂપે  કામરેજના થારોલી પાંજરાપોળમાં સંચાલકો બહારથી આવતા પશુઓને લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પશુ વિભાગ દ્વારા પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 8935 પશુઓનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. વધુમાં આગોતરા આયોજનના  ભાગરૂપે અલગ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.