અમદાવાદમાં હોટેલ રેસ્ટોરેન્ટમાં આવનારા તમામ નાગરિકો માટે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીતર કરવામાં આવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ આ સંદર્ભે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.
સંભવત આગામી દિવસોમાં શહેરની હોટેલ રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવી શકે છે અને આ સંદર્ભે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સના માલિકો અને સંચાલકોને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. સુરત સહીત સમગ્ર દેશમાં કોરોનાના ત્રીજા તબક્કાની મહામારીની શંકા કુશંકા વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રકારના અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
જોકે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોને પગલે કોરોના મહામારી વકરે તેવી પ્રબળ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરભરમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં વેક્સિનેશનનો પહેલો અથવા બીજો ડોઝ ન લીધો હોય તેવા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
આ નિયમ હાલ 18 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના નાગરિકો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. કોરોનાની મહામારી વિસ્ફોટક રૂપ પાછું ધારણ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે શહેરમાં આવેલી તમામ હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન અભિયાનમાં સુરત શહેર અગ્રેસર છે. હાલ સુરત શહેરમાં 95 ટકા નાગરિકોને પહેલો ડોઝ જયારે 44 ટકા નાગરિકોને બંને ડોઝ આપવામાં આરોગ્ય વિભાગને સફળતા સાંપડી છે. સંભવત દિવાળી પહેલા શહેરના તમામ નાગરિકોને 100 ટકા પહેલો ડોઝ અને 60 ટકા સુધી બંને ડોઝનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
આમ, આવનારા દિવસોમાં જો તમારે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું હશે તો પહેલા વેક્સિન લેવાનું ભૂલતા નહિ, કારણ કે હવે સુરતના હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો અને સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જલ્દી આ દિશામાં નિર્ણય લેવાઈ શકે છે.