Surat સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના(SMC) સરસ્વતી આવાસના સ્લેબમાંથી વારંવાર પોપડા પડવાની ઘટના બનતા હવે આ વસવાટ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ટૂંક જ સમયમાં અહીં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ 640 આવાસો પૈકી અંદાજે 300 જેટલા આવાસોમાં વસવાટ હોય તેવા તમામ અસરગ્રસ્તોને વડોદ અને ભેસ્તાન ખાતેના બીજા આવાસોમાં શિફ્ટ કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે. સુરત શહેરને ઝીરો સ્લમ સીટી બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ઝુપડપટ્ટીઓનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
વર્ષો પહેલા સુરત મહાનગરપાલિકાને ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલા સરસ્વતી આવાસોમાં ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. સમયસર રીપેરીંગ નહીં કરાતા આ આવાસો જર્જરિત થઇ ગયા હતા. અને ફ્લેટના સ્લેબમાંથી પોપડા પડવાની ઘટનાઓ શરૂ થઇ ગઈ હતી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ મનપાના આવાસો રહેવા લાયક નહીં હોવાનું જણાઈ આવતા મનપા દ્વારા અસરગ્રસ્તોને નોટિસ પાઠવવામાં આવી હતી.
જેને પગલે 640 આવાસો પૈકી 300 થી વધુ ફ્લેટ ધારકોએ વસવાટ ખાલી કરી દીધો હતો. ગયા શુક્રવારે પણ સરસ્વતી આવાસની બિલ્ડીંગ નંબર 13માં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં એક બાળકીનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મનપાના ઉધના ઝોનના અધિકારીઓ પણ દોડી ગયા હતા.
ચોમાસા દરમ્યાન મોટી હોનારત નહીં સર્જાય તે માટે મનપા દ્વારા આ વસવાટ ખાલી કરાવવાની તજવીજ હવે હાથ ધરવામાં આવશે. આવાસમાં રહેતા અમુલ પરિવારોને ભેસ્તાન ખાતે આવેલા આવાસોમાં સ્થળાન્તર કરવામાં આવશે. જયારે અન્ય પરિવારોને વડોદ ખાતેના આવાસોમાં મકાન આપવામાં આવશે.
નોંધનીય છે કે માનવતાના ધોરણે મનપાએ લાભાર્થીઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે. પરંતુ લાભાર્થીઓ સૌછીક સ્થળાન્તર કરવા માટે આનાકાની કરતા મનપાનું તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે. જો રહીશો સ્વાચ્છીક સ્થળાન્તર નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે વસવાટ ખાલી કરવામાં આવશે.
બીજી બાજુ ત્રણ મહિનામાં બે બાળકીઓના મોત નિપજતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે
આ પણ વાંચો: Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ