સુરત(Surat )શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ(Encroachment) હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબ્જા(Demolition ) દૂર કરવા તેમજ રખડતા ધોરણે પકડવા જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી માટે સિક્યોરિટી ગાર્ડ ને સાથે રાખવામાં આવે છે. પરંતુ આવી કામગીરી વખતે છાશવારે લોકો સાથે પાલિકાના દબાણ અને ડિમોલિશન સ્ટાફને ઘર્ષણમાં ઉતરવું પડે છે.
અનેક વખત તો મનપાના કર્મચારીઓ પર ગંભીર હુમલાઓ પણ થયા છે. મનપા દ્વારા આવી કામગીરીઓ માટે પોલીસતંત્ર દ્વારા મળતા બંદોબસ્ત પર નિર્ભર રહેવુ પડતું હતું. તેથી છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડી ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. કારણ કે તેનાથી પાલિકાના સ્ટાફને સિક્યોરિટી સહિતની મદદ મળી રહે.
પરંતુ એક યા બીજા કારણોસર આ માંગણી પુરી થતી ન હતી. પરંતુ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગૃહ રાજ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ 10 જ દિવસમાં સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડીની ફાળવણી કરવામાં આવી દેવાઈ છે.જેથી હવે કોર્પોરેશનને ડિમોલિશન, દબાણ વગેરેની કામગીરીમાં મદદરૂપ થશે.
સુરત મહાનગરપાલિકાને સુરક્ષા સંદર્ભેથી કામગીરી માટે પહેલી વખત જ એસઆરપી જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે. જે ટિમ સુરત પહોંચી ચુકી છે. મનપાને એસઆપી ટુકડી ફાળવવાથી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે ભિક્ષુકમુક્ત, રખડતા ઢોરમુક્ત , દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર દબાણો દૂર કરવા જેવી વિવિધ કામગીરી આસાનીથી થઇ શકશે.
અત્યારસુધી દબાણ કે ડિમોલિશનની કામગીરી દરમ્યાન કે પછી રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકા પાસે અપૂરતો સ્ટાફ હોવાના કારણે તકલીફ પણ પડતી હતી. એટલું જ નહીં પાલિકાની ટિમ પર અવારનવાર હુમલાઓ થતા હોવાના પણ બનાવો સામે આવતા હતા. પરંતુ હવે વધારાનો બંદોબસ્ત મળતા આ મુશ્કેલી દૂર થઇ છે.
જેથી હવે અલગ અલગ ઝોનમાં આ કામગીરી વધુ સારી રીતે કરી શકાશે. હવે પાલિકાના સ્ટાફની સાથે એસઆરપીની ટુકડીને પણ જરૂર હશે તે જગ્યાએ મદદ માટે મોકલવામાં આવશે. લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણી આખરે સંતોષાતા સુરત મનપાની કામગીરી વધુ સારી રીતે થઇ શકે છે.