ચંદની પડવાની રોનક બજારોમાં જોવા મળી રહી છે. કોરોનાના કારણે ગયા વર્ષે એટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો. પણ આ વર્ષે હવે જયારે કોરોનાના કેસો ઘટી ગયા છે. ત્યારે બધા તહેવારોની રોનક પાછી ફરવા લાગી છે. તેવામાં સુરતીઓના પોતાના પર્વ મનાતા ચંદની પડવા માટે ઘારી(Ghari ) ખરીદવા પણ બજારોમાં રીતસરની પડાપડી જોવા મળી રહી છે. આ વર્ષે જે રીતે ઓર્ડર મળ્યા છે તેને જોતા એવું લાગે છે કે સુરતીઓ 150 ટન કરતા વધારે ઘારી ભુસુ ઓહિયા કરી જશે.
દોઢસો ટન ઘારી ભુસુ ખાઈ જશે સુરતીઓ
આગામી ચંદી પડવાના પર્વે સુરતીઓની મનપસંદ ઘારીની ડિમાન્ડને પહોંચી વળવા માટે આ વખતે એકલી સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને નવો રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી સુમુલ ડેરી દ્વારા ચંદી પડવાના પર્વને અનુલક્ષીને 60 થી 80 ટન જેટલી ઘારીનું પ્રોડક્શન કરવામાં આવતું હતું.
પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક થાય એ હદે એટલે કે 100 ટન ઘારી બનાવવામાં આવે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તે રીતનું પ્રોડક્શન થઇ રહ્યું છે. આ ઉપરાંત જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચુકી છે.
વિદેશોથી પણ ઘારીનાં ઓર્ડર આવ્યા
સુરતના એક મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે કે ગયા વર્ષે કોરોનામાં ફ્લાઇટ પર પ્રતિબંધ હતા. પણ આ વખતે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા છે. જેથી આ વખતે ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ અને ન્યુઝીલેન્ડથી પણ એડવાન્સ ઓર્ડર આવવા લાગ્યા હતા. જેના માટે ખાસ વિદેશમાં પાર્સલ કરી શકાય અને ચંદની પડવા પર તેઓને ઘારી પાર્સલ મળી રહે તે રીતે અમે ઘારી મોકલવાની વ્યવસ્થા કરી હતી.
સુરતીઓના ચટાકાને ધ્યાનમાં રાખીને 12 ફ્લેવરની ઘારી
ઘારીમાં એક-બે નહિં પણ 12 જેટલી વેરાયટીઓ મુકવામાં આવી છે..જેમાં ચોકલેટ ઘારી,કાજુમેંગો ઘારી,બદામપિસ્તા ઘારી,કેસર ઘારી,ઓરેન્જ ઘારી,અંજીર અખરોટ ઘારી,સ્ટ્રોબેરી ઘારી,કલકત્તી પાનમસાલા ઘારી,સ્પેશ્યલ કૃષ્ણ કસ્તુરી ઘારી,ડ્રાયફ્રુટ ઘારી અને સુગર ફ્રી ઘારીનો સમાવેશ થાય છે..બાળકો માટે બબલગમ ફ્લેવરની ઘારી પણ લાવવામાં આવી છે. આ ઉપરાંત ગોલ્ડની વરખ વાળી ઘારી પણ લોકો ખરીદી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ