સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક માસુમ બાળકનો વિડીયો લોકોમાં ખુબ પ્રચલિત બન્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહેલો બાળક સુરતનો છે. ‘મને ટ્યુશનમાં ન આવડે’-વીડિયો થકી પ્રચલિત થયેલા આ બાળકનું નામ રામ છે અને તે આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો સાથે જ તેની મીઠી વાણીના કારણે પરિવાર સહીત અન્ય લોકોને પણ આકર્ષિત કરી દે છે.
‘મને ટ્યુશનમાં ન આવડે’- આ વીડિયો મોટેભાગનાં લોકોના મોબાઈલમાં જોવા મળતો હશે. બાળક પોતાની કાલીઘેલી ભાષામાં વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. ત્યારે આ બાળક કોણ છે અને કયાનો છે એ પ્રશ્ન લોકોમાં ઉભો થયો હતો. જો કે તપાસમાં આ બાળક સુરતનું હોવાનું બહાર આવ્યું હતું.
કોસમાડા ગામમાં રહેતા આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. રામના પિતા નિરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું.
રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી. બાળકના પિતાએ કહ્યું કે, રામ પહેલેથી વાચાળ પ્રકૃતિનો છે. સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે.
દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે. રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, કોઈ એક માતા બાળકનું ઘડતર યોગ્ય રીતે ન કરી શકે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.
Published On - 12:52 pm, Wed, 22 December 21