કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષે રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વાર્ષિક પરીક્ષા યોજ્યા વગર જ વિશેષ મૂલ્યાંકન પદ્ધતિના આધારે માસ પ્રમોશન જાહેર કરી દેવામાં આવ્યું હતી. શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 11માં પરીક્ષા લેવાઈ ન હતી અને બધા જ વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા હતા. જેના કારણે કોલેજોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓનો ધસારો ખુબ વધ્યો છે.
જોકે માસ પ્રમોશનના કારણે હવે કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો પ્રશ્ન પણ ઉભો થયો છે. બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા હોય શાળાઓમાં વર્ગવધારાની માંગણી ઉઠી હતી. ત્યારે હવે ધોરણ 12માં પણ 100 ટકા પરિણામને પગલે કોલેજોમાં વર્ગવધારો કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. યુનિવર્સીટીએ લખેલા પત્રને આધીન દક્ષિણ ગુજરાતની 31 ખાનગી કોલજોએ વર્ગવધારાની માંગણી કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ કોલેજો પાસે વર્ગવધારા અંગેની માહિતી માંગી હતી. જેમાં ધોરણ 12ના પરિણામ બાદ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. જેથી કોલજો પાસે કેટલા ડિવિઝન, વર્ગો વધારાના લઇ શકે છે તેવી વિગતો પૂછવામાં આવી હતી.
આ સંદર્ભે દક્ષિણ ગુજરાતની 31 ખાનગી કોલેજોએ વધારાના 64 વર્ગો માંગ્યા છે. તેમાં બીએના અભ્યાસક્રમ માટે 3, બીકોમ માટે 27, બીબીએ માટે 11, બીસીએ માટે 10 અને બીએસસી માટે 13 વર્ગો માંગવામાં આવ્યા છે. યુનિવર્સીટીને કોલેજ દ્વારા આપવામાં આવેલી માહિતીનો મુદ્દો તારીખ 25 ઓગસ્ટના રોજ મળનારી સિન્ડિકેટ બેઠકમાં રજૂ થવાનો છે. કોલેજોની માંગણીને આધીન સિન્ડિકેટની બેઠકમાં વર્ગ વધારવા માટે આખરી નિર્ણય લેવામાં આવશે.
આમ, હવે જયારે માસ પ્રમોશનને લઈને યુનિવર્સીટી સંલગ્ન વિવિધ કોલેજોમાં પ્રવેશ માટે ધસારો વધ્યો છે. બેઠકો કરતા વધુ અરજીઓ આવતા વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજોમાં એડમિશન મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ત્યારે હવે કોલેજો દ્વારા વર્ગ વધારવાની માંગણી કરવામાં આવી છે. 25 ઓગસ્ટના રોજ મળનારી સિનિડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવનાર છે. અને હાલના વિધાર્થીઓનો ધસારો જોતા એ જરૂરી પણ છે કે કોલજોમાં વર્ગ વધારવાની માંગને મંજૂરી આપવામાં આવે.
આ પણ વાંચો : Surat : શેરી શિક્ષણને છૂટ, તો ખાનગી શાળાને મનાઈ કેમ ? : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
આ પણ વાંચો: Surat : પાર્કિંગમાં કારની અડફેટે માસુમનું મોત, માસુમની આંખોનું દાન કરાયું