જોકે આ વરસાદને કારણે શહેરમાં રસ્તાઓની હાલત સૌથી વધારે કફોડી બની છે. શહેરના રસ્તાઓ ચંદ્રની સપાટીને પણ ટક્કર મારે તેવા થઇ ગયા છે. અને મહાનગરપાલિકાની લાપરવાહી એ પણ છે કે રસ્તાઓનું રિકાર્પેટિંગ કરવામાં આવ્યું નથી. ચાલુ વરસાદે ડામરના રસ્તા બનાવવા નીકળેલી પાલિકા બુદ્ધિનું દેવાળું પણ ફૂંકી રહી છે.
જેની સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે થી ત્રણ દિવસ સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે સવારથી પડી રહેલા સાંબેલાધાર વરસાદને પગલે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
બીજી તરફ બારડોલી, ઓલપાડ અને પલસાણાને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. સુરત શહેરમાં સાંજ સુધી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. સવારથી સુરતના માથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે કામ ધંધા માટે નીકળનારા વાહન ચાલકો અને રાહદારીઓ સહિતના લોકોને હેરાન થવું પડ્યું હતું.
સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસે પણ પાણી ભરાતા કોલેજે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. રસ્તા પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને બહાર નીકળવું મુશ્કેલ પડ્યું હતું. વેસુ વિસ્તારમાં પણ રસ્તા પર જાણે નદી ફરી વળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉકાઈ ડેમની સપાટી 342.50 ફૂટ પર પહોંચી હતી. પાણીની આવક અને જાવકમાં સતત વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
શહેરમાંથી પસાર થતી મોટાભાગની ખાડીઓ દર વર્ષે ચોમાસામાં લીંબાયત સહિતના નીચાણવાળા વિસ્તારમાં માથાનો દુખાવો બની જતું હોય છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓ પૈકી સીમાડા ખાડી , મીઠી ખાડી , ઓવરફ્લો થવાની ભીતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોનો જીવ તાળવે ચોંટ્યો છે. સીમાડા ખાડી ની ભયજનક સપાટીની લગોલગ પહોંચી ચુકી છે. ત્યારે હજી પણ ઉપરવાસમાં જો વરસાદ વિરામ નહીં લે તો સંભવતઃ આગામી દિવસોમાં સીમાડા ખાડી ની ઓવરફલો થવાની પણ સંભાવના દેખાઈ રહી છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :