કોરોનાના કારણે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની સીઝન ફેઈલ ગઈ છે. નવરાત્રીની સાથે જ યુપી અને બિહાર સહિત દક્ષિણ ભારતમાં પણ કાપડની સારી ડિમાન્ડ નીકળી છે. જેને પહોંચી વળવા માટે રોજની 350 ટ્રક દોડાવીને કાપડની ડિલિવરી કરવામાં આવી રહી છે.
જોકે તેની સામે રિટર્નમાં માલ નહીં મળતો હોવાની સાથે પેટ્રોલ ડીઝલના વધેલા ડરને પહોંચી વળવા માટે 20 ટકાથી વધુનો ટ્રાન્સપોર્ટ ચાર્જ વધારવાની નોબત આવી છે. આ વચ્ચે સાડી ડ્રેસ મટિરિયલ્સની સાથે ગારમેન્ટ્સમાં પણ ધીમે ધીમે આગળ વધી રહેલા સુરતના વેપારીઓ પાસે સારા પ્રમાણમાં ઓર્ડર નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે.
ત્યાં જ લાંબા સમય પછી સુરતના કાપડ વેપારીઓને ઉત્તર અને દક્ષિણ ભારતથી સારા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવરાત્રી શરૂ થઇ ચુકી છે. દિવાળીને હજી એક મહિનો પણ બાકી રહ્યો નથી. ત્યા પહેલા જે 100 થી 180 ટ્રકથી કાપડની ડિલિવરી થતી હતી. તે હવે વધીને રોજની સરેરાશ 350 ટ્રક ભરીને કાપડની ડિલિવરી થવા લાગી છે.
કાપડ સેક્ટરમાં લાંબા સમય બાદ સારો વેપાર નોંધાયો છે. જેની સામે સ્થિતિ એ છે કે રિટર્નમાં ગુડ્સ આવતું નથી. દિવાળી બાદ તરત છઠ પૂજા આવે છે. જેના કારણે યુપી બિહાર સુધી ગાડીઓ દોડાવવી પડી રહી છે.
આમ કોરોનાના કેસો ઓછા થતા તેમજ ત્રીજી લહેરની કોઈ સંભાવના નહીં દેખાતા હવે વેપારીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે. અન્ય રાજ્યોના વેપારીઓ પણ હવે વેપાર માટે આવવા લાગ્યા છે. તેમજ બીજો ફાયદો તહેવારોનો થયો છે. તહેવારો શરૂ થતા જ સરકાર દ્વારા છૂટછાટો પણ આપવમાં આવી છે. જેના કારણે લોકોની ખરીદશક્તિ પણ વધી છે. જેની સીધી સકારાત્મક અસર બિઝનેસ પર પડી છે.
કોરોનાના કારણે પાટા પરથી ઉતરેલી કાપડ ઉધોગની ગાડી હવે કોરોનાના કેસો ઘટતા અને તહેવારોની સીઝન શરૂ થતા ફરી પાટા પાર ચડતી દેખાઈ રહી છે. જેના કારણે વેપારી વર્ગમાં એક મોટો હાશકારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવાળી અને લગ્નસરાને લઈને મોટી ખરીદી અને ઓર્ડર મળે તેવી આશા વેપારીઓ રાખીને બેઠા છે.
આ પણ વાંચો : JUNAGADH : વરસાદી માહોલથી ખેડૂતોની મુશ્કેલી વધી, ઝાંઝરડા ગામમાં મગફળીના પાથરા પલળી જતા નુકસાન