સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાગાતળાવ ખાતે કેટલાક લોકોએ બર્થ ડે પાર્ટીમાં ડાન્સર બોલાવી ઠુમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઊડ્યાં હતાં. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠુમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે. સાથોસાથ રૂસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાના વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.
કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરાયો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સાથે જ જાહેરમાં જન્મદિવસ ઉજવવાની મનાઈ છે. જોકે, પોલીસના આ જાહેરનામાનો કેટલાક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરી છે. બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરે લીરા ઉડાવાયા છે.
આ પણ વાંચો : પહેલા નોરતે નાની બહેનનું અવસાન, સામે માતાજીની માંડવી સજાવવાની જવાબદારી, આ બે ભાઈઓની વાત તમને રડાવી દેશે
Published On - 12:29 pm, Fri, 8 October 21