એક કહેવત કહેવામાં આવી છે કે મહેનતનું અને નસીબમાં લખેલું કોઈ લઈ જતું નથી. આવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો. ગુજરાત બહારથી આવેલું એક પરિવાર રિક્ષામાં કિંમતી દાગીના ભૂલી જતા સુરત SOG દ્વારા ગણતરીના કલાકોમાં રીક્ષા શોધી કાઢીને તમામ કિંમતી દાગીના મેળવ્યા. જેથી સુરત પોલીસ કમિશનર દ્વારા આ કિંમતી દાગીના ગુજરાત બહારથી આવેલ પરિવારને સુપરત કરતા પરિવારના આંખમાં આંસુ આવી ગયા હતા.
આપણે લોકોના મોઢે સાંભળતા આવ્યા છે કે પોલીસ માટે કોઈ પણ કામ મુશ્કેલી ભરેલું હોતું નથી. પોલીસ ધારે તો ગમે તે કરી શકે અને તે પણ ગણતરીના કલાકોમાં પરિણામ મેળવી શકે છે. આ વાતને પુરવાર કરતો એક કિસ્સો સુરત SOG પોલીસની ટીમ દ્વારા સાબિત કરવામાં આવ્યો છે. છત્તીસગઢથી સુરત શહેર ખાતે મરણ ક્રિયાએ એક અગ્રવાલ પરીવાર આવ્યો હતો. અને સેલીબ્રેશન હોટલ ઉમરાથી રીક્ષામાં બેસી તેમના બહેનના ઘરે જવા નીકળ્યો હતો.
અને તેમની સાથે ક્રિયા માટે સોના ઘરેણાં સહીતનો સામાન સાથે હતો. અને પરિવાર રીક્ષામાં બેઠા બાદ બેગ રીક્ષામાં ભુલી ગયા હતા. જે બાબતે તાત્કાલિક અગ્રવાલ પરિવારના સભ્યોએ આ રીક્ષા બાબતે તપાસ કરી હતી. પરંતુ આ રીક્ષાની ભાળ મળી નહિ. બાદમાં ગુજરાત બહારથી આવેલા અગ્રવાલ પરિવારના સુરત પોલીસ કમિશ્નરનો સંપર્ક કરતા પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા વાતને ગંભીરતાથી લઈને સૂચના કરેલ કે આ સામાન શોધી કાઢવામાં આવે.
આમ પોલીસ કમિશનરની સૂચના મળતાની સાથે સુરત શહેર એસ.ઓ.જી. PI આર.એસ.સુવેરા તથા સ્ટાફ દ્વારા બનાવવાળી જગ્યાએ અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી અને ટીમોને બનાવથી વાકેફ કરી સ્થળ ઉપરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરી રીક્ષાવાળાને શોધવા માટે કામે લાગી. ત્યાં SOG ના ASI દિપસીંગભાઇ તથા HC હેમંતભાઇ લખમાભાઇને રીક્ષા નંબર મળી આવતા R.T.O ઓફીસેથી ખરાઇ કરી રીક્ષા ધારકનું નામ સરનામુ મેળવ્યુ.
પણ ત્યાં પણ રિક્ષાચાલક ભાડાનું મકાન હોય રીક્ષા ચાલક મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસ કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. બાદમાં ફરી SOGની ટીમ કામે લાગી અને રીક્ષાવાળાનો મોબાઇલ નંબર મળી તેનો કોન્ટેક કર્યો અને અને રીક્ષા ડ્રાઇવરને રીક્ષામાં રહી ગયેલ સામાન બાબતે પુછપરછ કરતા સર – સામાન જે-તે હાલતમાં રીક્ષામાં જ પડેલ હતો. જેથી સરસામાન એસ.ઓ.જી., કચેરી ખાતે લાવવામાં આવેલ અને આ અગ્રવાલ પરિવારને પણ તેમનો સામાન પરત મળી જતા પરિવારના આંખમાંથી આંસુ આવી ગયા હતા.
બાદમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સોનાના દાગીના તથા અન્ય ચીજવસ્તુઓ સહીતનો ઓરીજનલ સામાન આશરે કિ.રૂ 1,50,000ને ઓળખી અગ્રવાલ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. જેથી પરિવાર ખુશ થયું કારણ કે આ પરિવાર માટે આ દાગીના એટલે કિંમતી હતા કે એક તો મરણ ક્રિયા માટે આવ્યા હતા અને તેમના દાગીના ગુમ થતા અપસુકન માનવામાં આવતું હોય છે. જેથી પરિવાર વધુ ચિંતામાં હતું.
Published On - 6:42 am, Wed, 8 September 21