દક્ષિણ ગુજરાતમાં વાયા પાનોલી(Panoli) દારૂ ઘુસાડવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા ભરૂચ અને સુરત રૂરલ પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. સુરત રૂરલ પોલીસે લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયેલા બે ખેપિયાઓને પાનોલી નજીક આવેલી હોટલ લેન્ડ માર્ક પાસે લાવી રિહર્સલ દ્વારા બુટલેગરોની મોડ્સ ઓપરેન્ડી જાણવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ ભરૂચ પોલીસે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝન પોલીસની મદદથી આખા પાનોલીને ધમરોળ્યું હતું. ભરૂચ પોલીસની એક ટીમે આરોપીઓની પૂછપરછ પણ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.
15 મેના રોજ કોસંબા પોલીસે 25 લાખ 72 હજાર રૂપિયાની 15000 બોટલ દારૂ સાથે ટ્રક ચાલક હરદયાળસિંહ અને ક્લીનર કુશળસિંહની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન અંકલેશ્વરના બુટલેગર જીગો ઉર્ફે જીગ્નેશ કિરીટભાઈ પરીખ અને દિવ્યેશ કાલરિયા દ્વારા દારૂનો જથ્થો મંગાવાયો હોવાનું બહાર આવ્યું હતું.
ખાસ કોડવર્ડના ઉપયોગથી વાતચીત વગર દારૂની ડિલિવરી લેવાતી હતી. ખેપિયાઓ દારૂના કટિંગના સ્થળ વિશે જાણે નહીં તે માટે પાનોલીની હોટલ લેન્ડમાર્કના કમ્પાઉન્ડમાંથી બુટલેગરના માણસો ટ્રક ચાલક અને ક્લીનર પાસેથી ટ્રક લઈ અન્ય સ્થળે લઈ જઈ અનલોડીંગ કરી ખાલી ટ્રક પરત કરતા હતા.
બુટલેગરના માણસો ટ્રક કઈ દિશામાં લઈ જઈ ખાલી કરતા હતા તે જાણવા સુરત રૂરલ પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા. કોસંબા પોલીસે ઝપાયેલા બે ખેપિયાઓને પાનોલી નજીક આવેલી હોટલ લેન્ડ માર્ક પાસે લાવી રિહર્સલ દ્વારા બુટલેગરોની મોડ્સ ઓપરેન્ડી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દારૂના વેપલાને અટકાવવા અને ગુનેગારો સુધી પહોંચવા ભરૂચ પોલીસ પણ એક્ટિવ રોલમાં જોવા મળી છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા – સંદિપસિંહ તથા ડો. લીના પાટિલ – પોલીસ અધિક્ષક ભરૂચની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇની આગેવાનીમાં અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ યુનિટ, કંપનીઓના તમામ ગોડાઉન અને હાઇવે ઉપર આવેલ તમામ હોટલની 9 ટીમો બનાવી કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.
Published On - 9:13 am, Fri, 19 May 23