બે વર્ષ બાદ શહેરમાં ફરી એકવાર પારંપરિક ગરબાનો મહિમા જોવા મળશે. ગયા વર્ષે, કોરોનાને કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આ વખતે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાને કારણે, સરકારે મર્યાદિત સંખ્યામાં ગરબા કાર્યક્રમોની મંજૂરી આપી છે. શારદીય નવરાત્રની શરૂઆત સાથે ગરબાનો પ્રારંભ થશે. આ દરમિયાન, મહાનગર પાલિકા અને પોલીસે કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ કન્ટેનમેન્ટ ઝોનમાં ગરબા ઇવેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સાથે, ગરબા માટે 90 કર્મચારીઓની 18 ટીમો બનાવવામાં આવી છે, જે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તરત જ ઝડપી એન્ટિજેન ટેસ્ટ માટે ટિમ પહોંચી જશે. પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનને ગરબા દરમિયાન ભીડ અટકાવવાની જવાબદારી આપી છે. પોલીસની પીસીઆર વાન સતત ગરબા પર નજર રાખશે. મહાનગર પાલિકાએ શહેરના 71 કન્ટેનમેન્ટ ઝોનમાં મંજૂરી આપી નથી. જેમાં મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોન વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં ગરબા રમવા પર પ્રતિબંધ રહેશે.
કન્ટેનમેન્ટ વિસ્તારમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે કે નહીં તેનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. મનપાએ તમામ ઝોનમાં 5-5 લોકોની 2-2 ટીમો બનાવી છે. જેઓ સરપ્રાઈઝ ચેકીંગ અને તપાસ કરશે કે નવરાત્રીમાં ગરબાના આયોજન દરમ્યાન કોવિડની માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં. જરૂર જણાય ત્યાં સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. સુરત મહાનગર પાલિકાના હેલ્થ ઓફિસર ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે શહેરમાં ઘણી સોસાયટીઓમાં ગરબે યોજવામાં આવશે. તેમ છતાં, મોટા આયોજકોને સૂચના આપવામાં આવી છે કે કોરોના લક્ષણો ધરાવતી વ્યક્તિને પ્રવેશ ન આપવો અને રસીના બંને ડોઝ લેવા.
સોસાયટીના સ્થાનિકો દ્વારા પણ પૂરતી તકેદારી બતાવવામાં આવી રહી છે અને એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે સોસાયટીમાં અન્ય કોઈ બહારના વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ કેટલીક સોસાયટીઓમાં તો પ્રમુખો દ્વારા પાલિકાની ટીમને બોલાવીને કોરોના ટેસ્ટિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, બે વર્ષ પછી હવે ફરી એક વાર શહેરના શેરી મહોલ્લામાં પારંપરિક ગરબા જીવંત થશે.
આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે સુરતની આશા ફરી જીવંત થઇ, ડાયમંડ બુર્સ બાદ હવે ટેક્સ્ટાઇલ ઉધોગને પણ વેગ મળવાની સંભાવના
આ પણ વાંચો : PM MODIએ ગુજરાતને આપી ઓક્સિજન પ્લાન્ટની ભેટ, કોરોનાની ત્રીજી લહેર પહેલા આગોતરું આયોજન