કોરોનાની (Corona )મહામારી પછી હવે હીરા ઉદ્યોગની(Diamond Industry ) ગાડી ફરી પાટા પાર આવી રહી છે. હાલના સમયમાં સુરતના હીરા વેપારીઓને અમેરિકા, યુરોપ અને હોંગકોંગ તરફથી મોટાપાયે ઓર્ડર મળી રહ્યા છે. હીરા ઉદ્યોગકારો દ્વારા મળેલા ઓર્ડરની સમયસર પુરા કરવા માટે ડાયમંડ ઉધોગકારો આ વર્ષે દિવાળી વેકેશન ઘટાડવાનું વિચારી રહ્યો છે. સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન હોય છે, પરંતુ આ વખતે વધેલી ડિમાન્ડને જોતા હીરા ઉદ્યોગકારો ફક્ત 11 દિવસ માટે જ દિવાળી વેકેશન લેવાનું વિચારી રહ્યા છે.
કોરોના અને લોકડાઉન પછી હીરાનો ધંધો સાવ ઠપ્પ રહ્યા બાદ હવે લાંબા સમય પછી હીરા વેપારીઓને અમેરિકા, યુરોપ, હોંગકોંગ સહિત અન્ય સ્થળોએ કટ-પોલિશ્ડ હીરા અને જ્વેલરીના ઓર્ડર મળી રહ્યા છે. જેના લીધે છેલ્લા 3 મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ પણ વધવા પામી છે. ક્રિસમસ અને દિવાળી જેવો તહેવાર નજીક હોય હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકોને હજુ ઓર્ડર મળી રહ્યા છે. આગામી દિવસોમાં દિવાળી વેકેશન પણ આવી રહ્યું છે. હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન સામાન્ય રીતે 21 દિવસનું હોય છે. વેકેશન દરમિયાન રત્નકલાકારો ઉત્તર ગુજરાતમાં પાછા ફરે છે, અને વેકેશનમાં રજા ગાળ્યા બાદ એકાદ મહિના પછી પરત આવે છે. પરંતુ આ વખતે હીરા ઉદ્યોગમાં તેજી છે અને એટલે હીરા ઉદ્યોગકારો દિવાળી વેકેશન ટૂંકાવવાનું વિચારી રહ્યા છે જેથી વેકેશન બાદ પણ મજૂરોની અછત ન સર્જાય.
રફ હીરાની કિંમત છેલ્લા 6 મહિનામાં 30% વધી છે
હાલ હીરા ઉદ્યોગમાં તેજીનું વાતાવરણ છે. બીજી બાજુ, રફ હીરાની સતત વધતી કિંમતોએ હીરા ઉદ્યોગકારોની પણ ચિંતા વધારી છે. છેલ્લા 6 મહિનામાં રફ હીરાની કિંમત 30% જેટલી વધી છે. પરંતુ તેની સામે પોલિશ્ડ હીરાની કિંમતમાં એટલો વધારો થયો નથી.
કોરોનામાં મંદી બાદ હવે હીરાઉદ્યોગકારોને મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ તેને સમયસર પુરા કરી શકાશે કે કેમ તે અંગે તેઓ ચિંતિત છે. હીરા અગ્રણી નિલેશ બોડકીએ જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિને સમજીને, અમે આ વખતે દિવાળીની રજાઓ 11 દિવસ રાખવાની યોજના બનાવી રહ્યા છીએ. મુંબઈમાં પણ હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન 11 દિવસનું રાખવામાં આવ્યું છે.
અન્ય એક વેપારીનું કહેવું છે કે પહેલા કોરોનાના કારણે હીરા ઉદ્યોગકારો પરેશાન હતા, પણ હવે મોડે મોડે ધંધો મળી રહ્યો છે.જેથી અમે વેકેશનના દિવસો ઘટાડી રહ્યા છે. વિદેશમાં પણ કોરોનાના કેસ ઓછા થયા છે અને ત્રીજી લહેરના ઓછા ભયને કારણે ત્યાંના રિટેલ માર્કેટમાં કટ-પોલિશ્ડ ડાયમંડ હીરાના દાગીનાની સારી માંગ છે.
આ પણ વાંચોઃ Surat : હવે ગુનેગારોની ખેર નથી, સુરત રેલવે સ્ટેશન હવે 85 જેટલા આધુનિક CCTV કેમેરાથી સજ્જ થયું
Published On - 2:49 pm, Thu, 7 October 21