આજના ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિ સત્તા, સોન્દર્ય, સંપત્તિ અને ભૌતિકતા છોડી શકે ? કદાચ તેનો જવાબ ના જ હશે. પરંતુ સુરતમાં યોજાનારા દીક્ષા કાર્યક્રમમાં 60 દીક્ષાર્થીઓ બધી મોહમાયા છોડીને દીક્ષાના માર્ગે જઈ રહ્યા છે. જેમાં 6 જેટલા પરિવારો ઘરને તાળું મારીને દીક્ષા લેશે. દીક્ષા સમારોહમાં 7 વર્ષથી લઈને 70 વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં 21 વર્ષીય મહિલા ફિઝિયોથેરાપિસ્ટ પણ સંયમના માર્ગે જઈ રહ્યા છે. આ ઉપરાંત 32 વર્ષ સુધી પ્રેક્ટિસ કરનાર એન્જીનિયર યુવાન અને 55 વર્ષના સીએનો પણ સમાવેશ થાય છે.
સગા ભાઈ બહેનની સાથે એવા 6 પરિવારો છે, જેઓ ઘર સંપત્તિ બધું છોડીને ઘરને તાળું મારીને દીક્ષાનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે. મુંબઇની એ.પી. દલાલ કંપનીના 32 વર્ષથી પ્રેક્ટિસ કરતા સીએ અમીષ દલાલ, ભાવનગરના 24 વર્ષના સિવિલ એન્જીનીયર કરણ કુમાર તથા સુરતના ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટર ભવ્યા, ભૌતિક ડીગ્રી છોડી આત્મ કલ્યાણની ડીગ્રી લેશે.
સુરતના નાનકડા બે સગાભાઇ 7 વર્ષનો મેઘકુવર તથા 10 વરસનો વીરકુવર પણ દીક્ષા લેવા જઈ રહ્યા છે. મુબઇના પરિવારના મોભી 70 વર્ષના ચીનુભાઇ તથા દિનેશભાઈ દીક્ષા લેશે. તો સુરતનો 12 વર્ષનો રીધમ પણ તે જ માર્ગે આગળ વધશે.
સુરત હીરા બજારના ધનાઢય વેપારીઓ સંજય સણવાલનો દીકરો મન તથા કુમારભાઈ કોઠારીની દિકરી આંગી સંસાર છોડી જગતને સાચા ત્યાગનો સંદેશ આપશે. તેવા જ અમદાવાદના ભંડારી પરિવારના ભવ્ય તથા વિશ્વા ભાઇ-બહેનની જોડી, સાન્ચોરના ધનાઢ્ય કાનુન્ગો પરિવારના દિકરી રેખા, હાડેચાના અંગારા પરિવારની હિતાન્શી તથા દિવ્યા તથા કરિશ્મા સગી બહેનો, ભાભરતીર્થની નિરાલી તથા દ્રષ્ટિ સગી બહેનો દીક્ષા લેશે.
સુરતના ઘોડદોડ રોડ પર રહેતા 55 વર્ષીય વિપુલ મહેતા જણાવે છે કે તે આ દીક્ષા માટે મિલકતો વેચી દેશે અને કલ્યાણ માટે તેને દાન કરશે. સફળ કારકિર્દી પછીના વર્ષો દરમિયાન તેમને અને તેમના પરિવારને સમજાયું કે સાચી ખુશી ભૌતિક જગતમાં રહેવામાં નથી પરંતુ તેને છોડવામાં છે. આગામી થોડા મહિનાઓમાં તેમની પત્ની સિમા, પુત્રો પ્રિયેન અને રાજ સાંસારિક આભૂષણોનો ત્યાગ કરશે અને સાધુ તરીકે તપસ્વી માર્ગ અપનાવશે. તેમની પુત્રી યશવીએ 11 વર્ષ પહેલા આ જ માર્ગ અપનાવવાનું પસંદ કર્યું હતું.
એ જ રીતે, મુંબઈના સફળ હીરા વેપારી 54 વર્ષીય લલિત શાહ, પત્ની સ્મિતા, તેમની બે પુત્રીઓ વિધિ અને હેત્વી અને પુત્ર માનવ પણ આ વર્ષના અંતમાં દીક્ષા સ્વીકારશે. મહેતા અને શાહની જેમ, ગુજરાત અને મુંબઈના એક સાથે છ જૈન પરિવારો દીક્ષા અપનાવવા તૈયાર છે.
શાંતિ કનક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવારના સભ્યના જણાવ્યા પ્રમાણે શહેરના ઇતિહાસમાં આ એક મોટી ઘટના બનવા જઈ રહી છે. આચાર્ય યોગતિલક્ષરીશ્વરજી મહારાજના માર્ગદર્શન સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી 60 વ્યક્તિઓને દીક્ષા માટે મંજૂરી આપવામાં આવી છે અને તે દિવાળીના તહેવાર પછી યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Surat : સુરતમાં ખાવા જેવી આ 8 વાનગીઓ, સુરત જાઓ ત્યારે ભૂલ્યા વગર ખાજો !!
આ પણ વાંચો : SURAT : કેન્દ્રના 7 મેગા ટેક્સ્ટાઈલ પાર્કમાંથી એક સુરતને મળે તેવા પ્રયત્નો શરૂ,કમિશનરે જમીન માટે તપાસ કરાવી