
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, વાઘેલાના કોંગ્રેસમાં પુનઃપ્રવેશ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી છે. વાઘેલા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા પહેલા નોરતે તેમના કાર્યકરો સાથે જોડાય તેવી સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.
શંકરસિંહ વાઘેલા અગાઉ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. જોકે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસથી અલગ થઈને જન વિકલ્પ મોરચો બનાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. હવે વર્ષો બાદ ફરી કોંગ્રેસ સાથે જોડાણની ચર્ચા સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલાના સંભવિત કોંગ્રેસ પ્રવેશ અંગે નિવેદન આપ્યું છે. ચાવડાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાવા માટે તૈયાર છે અને આગામી સમયમાં અન્ય નેતાઓ પણ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરવી કે નહીં તેનો નિર્ણય તેઓ પોતે લેશે. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે ભાજપની નીતિઓથી કંટાળેલા લોકો કોંગ્રેસ તરફ આવવા તૈયાર છે.
ચાવડાએ દાવો કર્યો કે આગામી સમયમાં ભાજપના અનેક નેતાઓ પણ પક્ષ છોડીને બહાર આવી શકે છે. તેમણે કહ્યું કે ભાજપના ‘ડૂબતા જહાજ’માંથી પણ અનેક લોકો બહાર નીકળવા તૈયાર છે. જોકે, આ અંગેના રાજકીય દાવાઓને હાલ સંબંધિત નેતાઓના નિવેદન તરીકે જ જોવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, સપ્ટેમ્બર 2026માં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા અંગે અગાઉ અલગ નિવેદન આપ્યું હતું અને પોતાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે 2027ની ચૂંટણી માટે સક્રિય થવાની વાત કરી હતી. તેથી વાઘેલાની કોંગ્રેસમાં ઔપચારિક એન્ટ્રી અંગે અંતિમ નિર્ણય અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
Published On - 12:38 pm, Tue, 29 September 26