Saurashtra Rain : અમરેલી, કચ્છ, પોરબંદર અને ઉપલેટા પંથકમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશાલી

|

Jul 16, 2021 | 6:43 PM

સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી હતી. જેમાં અમરેલી જિલ્લો, ઉપલેટા, જેતપુર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

Saurashtra Rain : અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર રહી હતી. જિલ્લાના લાઠી શહેર, દામનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. લાઠીમાં સતત વરસતા વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા હતા. તો બાબરા પંથકનાં ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ચમારડી, દરેડ, ખાખરીયા, જામ બરવાળા, ગલકોટડી, વાંડલિય, ચરખા, ઉટવડ સહિતનાં ગામડાઓમાં સારો વરસાદ નોંધાયો છે. સતત અને સારો વરસાદ પડતાં ઊભા પાકને ફાયદો થશે.

તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અહીં વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા હતા. જેમાં વિરપુર,પીઠડિયા,જૂની સાંકળી,નવી સાંકળી,જેતલસર સહિતના ગામોમાં વરસાદ પડયો છે. તો ઉપલેટા પંથકમાં વરસાદ નોંધાયો છે. જેમાં નાગવદર, ખાખીજાળીયા, ઇસરા, મુરખડા
મેખાટીંબી, વરજાંગ જાળીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં નવા નીર આવ્યા છે.

કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં નલિયામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અબડાસાના જખૌ, નલિયા, કોઠારામાં વરસાદ નોંધાયો છે. નલિયામાં ધોધમાર વરસાદના પગલે બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

પોરબંદર શહેરમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. એક ઇંચ વરસાદથી શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા. પોરબંદર શહેરની બજારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.

નોંધનીય છેકે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે. રાજ્યમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેથી આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

Next Video