સાબરકાંઠા જિલ્લામાં ચાલતા જુગારધામો પર હવે વિજીલન્સે દરોડાની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સ્ટેટ મોનટરીંગ સેલની ટીમને બાતમી મળવાના આધાર પર વડાલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. વિજીલન્સે ટૂંકા ગાળામાં જ જિલ્લામાં આ બીજો દરોડો કર્યો છે. વિજીલન્સના એએસઆઈ કિજેશભાઈ નૈલેષભાઈએ વડાલી પોલીસે મથકે દરોડાની કાર્યવાહી બાદ ઝડપેલા આરોપીઓ સામે વરલી મટકાના જુગારનો ગુનો દાખલ કર્યો હતો.
દરોડા દરમિયાન વિજીલન્સ દ્વારા 11 આરોપીઓને જુગાર રમતા અને રમાડતા ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. વિજીલન્સે નોંધાવેલી ફરિયાદ મુજબ ચોક્કસ બાતમી હકિકત મળવાને લઈ દરોડાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ માટે ખાસ વોરંટ સાથે દરોડાની કાર્યહાવી કરતા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
વડાલી થી ધરોઈ રોડ પર ચાલતા વરલી મટકાના જુગારની બાતમી મુજબ વિજીલન્સની ટીમ એસઆરપી જવાનો સાથે ત્રાટકી હતી. જ્યાં દાળમીલ નજીકથી રહેણાંક મકાનના કંપાઉન્ડમાંથી 11 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. જુગાર ધામ ચલાવી રહેલા નરેશ સિંધીને પણ પોલીસે ઝડપી લેવાયો હતો. તેની સાથે મેહુલસિંહ દિલીપસિંહ રહેવર નામનો રાયટર શખ્શ રાખ્યો હોવાનુ અને અન્ય એકને હિસાબનીશ તરીકે રાખ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. આમ એક પેઢીની માફક જુગારનો ધંધો ચલવાઈ રહ્યો હતો.
કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ટીમને 22,500 રુપિયા રોકડા મળી આવ્યા હતા. તેમજ 8 જેટલા વાહનો પણ હોઈ તેને કબજે કરવામાં આવ્યા હતા. તેમ જ જુગાર લખવા માટેની સ્ટેશનરી સહિત 09 જેટલા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આમ પોલીસે 3.28 લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલમાંથી આંકડા લખાવનારા જે પણ ગ્રાહકોના નામઠામ તપાસમાં નિકળશે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
Published On - 12:05 pm, Tue, 15 August 23