તાજેતરમાં જ રાજ્યની અલગ અલગ નગરપાલીકાઓના ચીફ ઓફિસરોની બદલીઓના હુકમ કરવામાં આવ્યા હતા. 26 જેટલા ચીફ ઓફિસરોની બદલીઓ કરવાના આદેશ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે કર્યા હતા. આ દરમિયાન હિંમતનગર નગર પાલીકાના ચીફ ઓફિસરની ટ્રાન્સફર પણ બદલીની યાદીમાં થઈ હતી. જોકે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં હિંમતનગર ખાતે અગાઉ ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલની બદલી કરી હતી, હવે તેમની બદલી વિજાપુર થવાને લઈ શહેરીજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો હાથ ધરી હતી.
અલ્પેશ પટેલને હિંમતનગરના વિકાસની ગતિને ફરીથી પાટા પર ચડાવવા માટે થઈને મુકવામાં આવ્યા હોવાની ચર્ચા હતી. આ દરમિયાન તેઓએ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ કાર્યો હાથ ધરીને શહેરના વિકાસની ગતિ શરુ કરી હતી. આ દરમિયાન ફરીથી 26 અધિકારીઓની બદલીઓની સાથે ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ બદલીનો આદેશ રદ કરી દીધો છે.
હિંમતનગર નગરપાલીકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ કાર્યનો ધમધમાટ શરુ કર્યો હતો. પાલીકાના કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમો પણ વધવા લાગતા શહેરમાં ફરીથી વિકાસનો માહોલ શરુ થયો હતો. શહેરમાં આવેલ પાલીકા સ્તરનો દેશનો મોડેલ એવોર્ડ વિનર પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટની સુંદરતાને ફરીથી સુંદર બનાવવાની શરુઆત કરી હતી. કેનાલની મરામત કરવાના કાર્યો શરુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બીજા તબક્કાના કેનાલ ફ્રન્ટને લઈને પણ કાર્યવાહી શરુ કરવામા આવી હતી.
શહેરમાં ટીપી રોડ નવા ફોર લાઈન ઝડપથી પૂર્ણ કરીને તેને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યો માટે ધારાસભ્ય વીડી ઝાલા અને નગરપાલીકાએ ઝડપ હાથ ધરી હતી. જેમાં ચીફ ઓફિસર મહત્વની ભૂમિકા સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ નિભાવી હતી. આમ અચાનક બદલી થવાને લઈ સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામા આવી હતી. જેને લઈ તેમની વિજાપુર ખાતે કરવામાં આવેલી બદલીના હુકમને રદ કરવામાં આવ્યો હતો.
ગત 4 ઓગષ્ટે રાજ્યની નગરપાલિકાઓના 26 ચીફ ઓફિસરોની બદલી કરવામા આવી હતી. જેમાં હિંમતનગર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે કુ. વૈશાલી નિનામાને મુકવામાં આવ્યા હતા. તેમને રાધનપુર નગરપાલિકાથી બદલી કરીને હિંમતનગર મુકવામાં આવ્યા હતા. જ્યારે અલ્પેશ પટેલની બદલી વિજાપુર નગરપાલિકામાં કરવામા આવી હતી.
અલ્પેશ પટેલનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે અને કુ વૈશાલી નિનામાની બદલી હિંમતનગરના બદલે વલ્લભવિદ્યાનગર ખાતે કરવામાં આવી છે. આમ હવે અલ્પેશ પટેલને હિંમતનગરના ચીફ ઓફિસર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. આમ હવે આગામી દિવસોમાં નગરપાલીકા ગેરકાયદેસર રીતે શહેરમાં પોતાની મનમાની ચલાવનારાઓ સામે લાલ આંખ દેખાડે તો નવાઈ નહીં. પાલીકા તંત્ર ખુદ હવે એક્શન મોડમાં જોવા મળશે એવા સંકેતો જોવા મળી રહ્યા છે.
Published On - 10:57 pm, Tue, 8 August 23