સાબરકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો રોકાવાનું નામ જ લઈ નથી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. હાલમાં જ એક વેપારીના ઘરે લગ્ન પ્રસંગ ટાણે જ ઘરમાંથી ચોરીનો મોટો બનાવ નોંધાયો હતો. હવે એર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ખેડૂતના ઘરમાંથી ચોરી થયાનો બનાવ નોંધાયો છે.
હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરટીઓ ચાર રસ્તા પાસે બે સ્થળો પર ચોરીના બનાવ નોંધાયા છે. ઘટનાને પગલે પોલીસે હવે તપાસ શરુ કરી છે અને તસ્કરોને લઈ કડીઓ મેળવીને પગેરું શોધવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચોરીના બનાવ અંગે હાલ અમદાવાદ સરખેજ વિસ્તારમાં રહેતા ઈર્શાદ અહેમદ સાબુગરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના ઘરે અને તેમની સોસાયટી પાછળ આવેલ એક ખેતરમાં રહેલા ખેડૂતના ઘરમાં તસ્કરો ત્રાટ્યા હતા. જેમાં સીએ સાબુગરના ઘરના મુખ્ય દરવાજાને ખોલી નાંખીને તસ્કરો લોકર ઉઠાવી ગયા હતા. લોકરમાં પરિવારના ત્રણ પાસપોર્ટ હતા અને જે પણ તસ્કરો ઉઠાવી ગયા છે. જોકે તસ્કરોએ ઘરમાંથી અન્ય કોઈ કિંમતી ચિજોની ચોરી નહીં કરી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતુ. આમ તસ્કરો લોકર સાથે પત્નિ, પુત્ર અને પુત્રીના એમ ત્રણ પાસપોર્ટ ઘરમાંથી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાબુગર જ્યાં રહે છે, એ સુકુન બંગ્લોઝની પાછળ આવેલ એક ખેતરમાં રહેતા અલીમોહમ્મદ ફકીરના ઘરમાંથી પણ તસ્કરોએ ચોરી આચરી છે. તસ્કરોએ 35 હજાર રુપિયા રોકડા અને ચાંદીના 4 કડા તેમજ આઠ નંગ ચાંદીની વિંટીઓ મળીને 41,400ની મત્તાની ચોરી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
તો વળી હિંમતનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારીના ઘરમાં ચોરીનો બનાવ બે દિવસ અગાઉ નોંધાયો હતો. જેમાં ઉત્તરાયણની રાત્રી દરમિયાન તસ્કરોએ ઘરમાંથી 5 લાખ રુપિયા રોકડ અને 1.76 લાખ રુપિયાનો સોનાનો સેટની ચોરી કરી હતી. વેપારીના પુત્રનુ બે દિવસ બાદ લગ્ન હતુ અને તૈયારીઓ માટેની રોકડને તસ્કરો ચોરી કરી ગયા હતા.