હિંમતનગરમાં ફાયનાન્સરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, મોસાળમાં જતા બંધ ઘરમાં ચોરી

હિંમતનગર સહિત જિલ્લામાં તસ્કરોએ પરેશાન કરી દીધી છે. ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થવાને લઈ લોકો પરેશાન થયા છે. હિંમતનગર શહેરમાં આવી જ રીતે વધુ એક બનાવ સામે આવ્યો છે. ઘર બંધ કરીને મોસાળમાં ગયેલા ફાયનાન્સરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હિંમતનગરમાં ફાયનાન્સરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, મોસાળમાં જતા બંધ ઘરમાં ચોરી
બંધ ઘરમાં ચોરી
| Updated on: Dec 03, 2023 | 11:06 AM

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ કરાવી દીધો હોય એવી સ્થિતિ છે. તસ્કરોના સતત આંટાફેરાના બનાવોને લઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે. હિંમતનગર શહેરમાં પણ આવી જ રીતે ઘર ફોડ અને વાહન ચોરીના બનાવોને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડેમાઈ રોડ પર આવી જ રીતે ફાયનાન્સરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ છે.

શહેરના ડેમાઈ રોડ પર આવેલ આશાપુરા સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકતા ફાયનાન્સરના બંધ મકાનમાંથી સાડા ત્રણેક લાખ રુપિયાની કિંમતની મત્તાની ચોરી આચરી છે. ઘટનાને પગલે હવે વધુ એક ચોરીને લઈ પોલીસે તપાસ કાર્યવાહી શરુ કરી છે. ચોરીની વધતી ઘટનાઓને લઈ શહેર અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ વધી છે.

મોસાળમાં ગયા અને તસ્કરો ત્રાટક્યા

હિંમતનગરની આશાપુરા સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અનોપસિંહ વજેસિંહ સીસોદીયા પોતાના પરિવાર સાથે સાંજના સમયે પોતાના મામાને ત્યાં મોસાળમાં ગયા હતા. ઝીંઝવા ખાતે આવેલ મામાના ઘરે જવા માટે પરિવાર ઘરને બંધ કરીને સાંજના સમયે નિકળ્યો હતો. જ્યાં મામાને ત્યાં મહેમાનગતી માણીને પરિવાર નાની બેબાર ગામે વતન પહોંચ્યો હતો. જ્યાં નાની બેબાર ગામમાં પોતાના વતનના ઘરે રોકાઈને બીજા દિવસે પરત આવીને ઘર ખોલતા જ ચોંકી ઉઠ્યા હતા. ઘરનો સામાન વેર વિખેર પડેલો નજરે ચડતા જ ઘરની કિંમતી ચિજોને જોતા ચોરી થઈ હોવાનુ જણાઈ આવ્યુ હતુ.

તસ્કરોએ ઘરના રસોડાની બારી ખોલીને તેમાંથી હાથ નાંખીને રસોડાના દરવાજાની સ્ટોપર ખોલી નાંખી હતી. આમ તસ્કરોએ રસોડાની બારી અને દરવાજાને સરળતાથી ખોલીને ઘરમાં ઘૂસી જઈ ચોરી આચરી હતી. બેડરુમમાં બનાવેલ તિજોરીના સેન્ટ્રલ લોકની સિસ્ટમને તોડી નાંખીને તસ્કરોએ ચોરી આચરી હતી. આ સિવાય બેડમાં બેગમાં રાખેલ પત્નિના દાગીના સહિતની ચોરી થયાનુ જણાઈ આવ્યુ હતુ. ઘટનાને પગલે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કિંમતી ઘરેણાની ચોરી

  • સોનાનો 4 તોલાનો બુટ્ટી સહિતનો સેટ, કિંમત 2,28,000 રુપિયા
  • સોનાનો 1 તોલાનો મોતીવાળો સેટ, કિંમત 57,000 રુપિયા
  • કપાળમાં લગાવવાની સોનાની રખડી 1 તોલાની, કિંમત 57,000 રુપિયા
  • કુલ 3,42,000 ના સોનાના ઘરેણાની ચોરી

આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:56 am, Sun, 3 December 23